15 December, 2025 07:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે રવિવારે કહ્યું હતું કે પ્રતિભા અને નેતૃત્વ ફક્ત વિશેષાધિકાર ધરાવતા લોકો સુધી જ મર્યાદિત નથી. તેમણે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સામાન્ય પરિવારોમાંથી સક્ષમ વ્યક્તિઓને ઓળખવાની અને તેમને ટેકો આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
યશવંતરાવ ચવાણ સેન્ટર ખાતે આયોજિત શરદ પવાર ઇન્સ્પાયર ફેલોશિપ અવૉર્ડ સમારોહમાં બોલતાં તેમણે કહ્યું હતું કે ફેલોશિપ કાર્યક્રમ મહારાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન યશવંતરાવ ચવાણના જીવન અને મૂલ્યોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.
સામાન્ય લોકોમાં પણ એવી લીડરશિપ ક્વૉલિટી હોય છે એમ જણાવતાં શરદ પવારે વધુમાં કહ્યું હતું કે ‘ઘણા લોકો જીવનમાં સફળ થાય છે કારણ કે તેમની પાસે મજબૂત બૅકગ્રાઉન્ડ હોય છે અને તેમને ઘણા લોકો સપોર્ટ કરનારા હોય છે, પરંતુ ઘણા લોકો એવા છે જેમની પાસે આવા સપોર્ટનો અભાવ હોય છે છતાં તેમનામાં સમાજ માટે કામ કરવાની ક્ષમતા, અભિગમ અને લીડરશિપની ક્વૉલિટી હોય છે. તેમને તક અને પ્રોત્સાહન આપવાની જરૂર છે.’