19 October, 2025 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કબૂતરોને બચાવવા મેદાને પડેલા PETAના કાર્યકરોએ કબૂતરનો માસ્ક પહેરી પ્રદર્શન કર્યું હતું.
પ્રાણીઓ પ્રત્યે સંવેદના દર્શાવીને એમના માટે કામ કરતી સંસ્થા પીપલ ફૉર ધી એથિકલ ટ્રીટમેન્ટ ઑફ ઍનિમલ્સ (PETA)ના ઍક્ટિવિસ્ટો દ્વારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મુંબઈનાં બંધ કરી દેવાયેલાં કબૂતરખાનાં ફરી શરૂ કરાવવા અનોખી રીતે રજૂઆત કરવામાં આવી હતી. વળી લોકોમાં આ બાબતે જાગૃતિ આવે એ માટે તેમણે કબૂતરના માસ્ક પહેરીને પ્રદર્શન કર્યું હતું. તેમણે મુંબઈની ઓળખ સમાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના હેડક્વૉર્ટરની સામે કબૂતરોના માસ્ક પહેરીને પ્રદર્શન કર્યું હતું એટલું જ નહીં, મુંબઈની લોકલ ટ્રેનમાં પણ એ પહેરીને પ્રવાસ કર્યો હતો.
PETAએ એની પોસ્ટમાં લખ્યું હતું કે ‘કબૂતરો સંદર્ભે રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ અંતર્ગત કરવામાં આવેલી અરજીના જવાબમાં મુંબઈની ૩ સરકારી હૉસ્પિટલોએ કહ્યું હતું કે ૨૦૨૪માં કબૂતરોને કારણે થતી શ્વાસોચ્છ્વાસની બીમારી માત્ર ૦.૩ ટકા નોંધાઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિશે કરાયેલા રિસર્ચમાં પણ કહેવાયું છે કે કબૂતરોમાંથી માણસોને રોગનો ચેપ લાગે એવી શક્યતાઓ બહુ જ ઓછી છે. એમાં કબૂતરખાનાની બાજુમાં જ રહેતા કે રોજ કબૂતરોના સંપર્કમાં આવતા લોકોનો પણ સમાવેશ થઈ જાય છે. વળી કબૂતર બર્ડફ્લુને રોકવા પણ કુદરતી રીતે જ સક્ષમ છે.’
PETAએ આ સંદર્ભે સોશ્યલ મીડિયામાં મૂકેલી પોસ્ટમાં વધુમાં લખ્યું હતું કે ‘મુંબઈનું આકાશ પણ કબૂતરો વગર ખાલી લાગશે. મુંબઈમાં કબૂતરો પણ રહે છે.’ એની સાથે જ તેમણે મુંબઈગરાઓને આ સંદર્ભે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને કરાયેલી અરજીમાં સાથ આપવા આહવાન કર્યું હતું.