17 March, 2026 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રૉફર્ડ માર્કેટ
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)ના ૨૪૫૦ કરોડ રૂપિયાના રીડેવલપમેન્ટના ભાગરૂપે મનીષ માર્કેટ-ક્રૉફર્ડ માર્કેટ પાસેથી સીધા CSMT જઈ શકાય એવા એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ બનાવવાનો વિચાર થઈ રહ્યો છે. આ પ્રપોઝ્ડ એન્ટ્રી-એક્ઝિટ એલિવેટેડ પૅસેન્જર ડેક ખૂલ્યા પછી ભવિષ્યમાં ભીડને સંભાળવા માટે ઉપયોગી થશે એવું તેમનું માનવું છે. નવો એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ પ્રસ્તાવિત કર્યો છે એ ક્રૉફર્ડ માર્કેટ નજીક આવેલી મ્યુનિસિપલ ફિશ-માર્કેટમાંથી પસાર થશે.
ભવિષ્યમાં પ્રવાસીઓના ફ્લોને મૅનજ કરવામાં સહાય થાય એ માટે આ નવા એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ વિકસાવવાનો પ્લાન છે. હાલ એલિવેટેડ પૅસેન્જર-ડેક બની રહ્યો છે. મનીષ માર્કેટ રોડ પાસેથી સીધા સ્ટેશન પહોંચવાની એન્ટ્રી મળે એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વળી મુંબઈની ઓળખ સમાન ડી. એન. રોડ પરના ઐતિહાસિક બિલ્ડિંગમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ચેન્જિસ ટાળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે ‘એલિવેટેડ ડેક કાર્યરત થયા પછી ભીડને વિખેરવા માટે અમને વેસ્ટ સાઇડમાં મોટા એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટની જરૂર છે.’
CSMT પુનઃ વિકાસનો ઉદ્દેશ સ્ટેશનને મુખ્ય યુરોપિયન ટર્મિનલ્સની જેમ મલ્ટિમૉડલ ટ્રાન્ઝિટ હબ અને રીટેલ ઝોનમાં ફેરવવાનો છે જે એક કૉર્ડિનેટેડ ટ્રાવેલિંગ હબ તરીકે ઊભરી આવશે. ત્યાં છૂટક ફૂડ-કોર્ટ અને મુસાફરોની સુવિધાઓ ઊભી કરાશે. પૅસેન્જરો માટે રૂફટૉપ પર પાંચ એકર જગ્યા ફાળવવામાં આવશે.
કુલ વિસ્તાર ૪,૬૧,૫૩૪ ચોરસ મીટર
નવું બાંધકામ ૨,૭૯,૫૦૭ ચોરસ મીટર
નવીનીકરણ ૧,૩૦,૯૧૨ ચોરસ મીટર
ખુલ્લા વિસ્તાર ૩૭,૭૦૩ ચોરસ મીટર
અન્ય કામો ૧૩,૪૧૨ ચોરસ મીટર
BMCની ફિશ-માર્કેટના માછીમારોએ કહ્યું હતું કે ‘આ પ્રસ્તાવિત એન્ટ્રી-એક્ઝિટ પૉઇન્ટ બનાવતી વખતે ફિશ-માર્કેટની કામગીરીમાં વિક્ષેપ ન આવે એ બાબતનું ધ્યાન રાખવામાં આવે. કોઈ પણ અંતિમ નિર્ણય લેતાં પહેલાં માછીમારો સાથે પરામર્શ કરવામાં આવે. જો અધિકારીઓ બજારને સુરક્ષિત રાખ્યા વિના આગળ વધશે તો માછીમાર સમુદાય એનો સખત વિરોધ કરશે.’
અખિલ મહારાષ્ટ્ર માછીમાર ક્રુતિ સમિતિના દેવેન્દ્ર ટંડેલે કહ્યું હતું કે ‘આ કોઈ નાનું સ્થાનિક બજાર નથી, પરંતુ એક મુખ્ય ફિશ-વિતરણ કેન્દ્ર છે. હજારો માછીમારો અને કામદારો એના પર આધાર રાખે છે. આ સ્થળ પરથી રોજ ફિશ-ટ્રાન્સપોર્ટ કરતાં લગભગ ૩૦૦ વાહનો ચાલે છે.’ તેમણે ચેતવણી આપી છે કે એ એવી યોજનાઓનો વિરોધ કરશે જે તેમની આજીવિકાને જોખમમાં મૂકે.