06 November, 2025 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દહિસર-ઈસ્ટથી મીરા-ભાઈંદર વચ્ચે દોડનારી મેટ્રો 9 માટે ઉત્તન-ડોંગરીમાં કારડેપો બનાવવાની ૭૩૩ કરોડ રૂપિયાની યોજના પડતી મુકાઈ છે. મોટા પાયે વૃક્ષો કપાવાનાં હોવાથી અને પર્યાવરણને થનારા નુકસાનને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ મેટ્રો ડેપોનો જોરદાર વિરોધ કર્યો હતો. એને પગલે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ કારડેપોને બીજી જગ્યાએ ખસેડવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
MMRDAના રિવાઇઝ્ડ પ્લાન મુજબ મેટ્રો 9ની રેકને ચારકોપના કારડેપોમાં મોકલવામાં આવશે. ચારકોપનો કારડેપો અત્યારે દહિસર-ઈસ્ટ અને અંધેરી-વેસ્ટ વચ્ચે ચાલતી મેટ્રો 2A અને દહિસર- ઈસ્ટ અને ગુંદવલી વચ્ચે ચાલતી મેટ્રો 7 માટે ઉપયોગમાં લેવાય છે. દહિસર-ઈસ્ટથી મંડાલે સુધી આખી મેટ્રો 2 લાઇન શરૂ થશે ત્યાર બાદ બધી રેકને મંડાલે ડેપોમાં ખસેડવામાં આવશે.
ઉત્તન-ડોંગરી મેટ્રો ડેપો માટે મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશને ૧૪૦૬ ઝાડ કાપવાની મંજૂરી આપી દીધી હતી, જ્યારે આ પ્રોજેક્ટને કારણે કુલ ૧૧,૦૦૦ ઝાડને નુકસાન થવાનું હતું. દહિસરથી કાશીગાંવ વચ્ચે મેટ્રો 9નો પહેલો તબક્કો ડિસેમ્બર મહિનામાં શરૂ થવાની શક્યતા છે.