15 October, 2025 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાંદરા ટર્મિનસ
ભીડમાં દુર્ઘટના ટાળવા વેસ્ટર્ન રેલવેનો નિર્ણય : બાંદરા ટર્મિનસ, વાપી, ઉધના અને સુરત સ્ટેશન પર ૧૫થી ૩૧ ઑક્ટોબર સુધી પ્લૅટફૉર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ
દિવાળી નજીક આવવાની સાથે જ તહેવારોનો માહોલ જામ્યો છે ત્યારે વેસ્ટર્ન રેલવેએ રેલવેનાં પ્લૅટફૉર્મ અને સ્ટેશન પર ઓવરક્રાઉડિંગની સમસ્યા ટાળવા માટે પ્લૅટફૉર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. વેસ્ટર્ન રેલવેનાં મુખ્ય ૪ સ્ટેશનો પર ૧૫થી ૩૧ ઑક્ટોબર સુધી પ્લૅટફૉર્મ ટિકિટ નહીં મળે. જોકે આ પ્રતિબંધ માત્ર ૧૫ દિવસ માટે જ છે. મુંબઈના બાંદરા ટર્મિનસ ઉપરાંત ગુજરાતનાં વાપી, ઉધના અને સુરત સ્ટેશનો પર આ પ્રતિબંધ લાગુ પડશે અને ૧૫થી ૩૧ ઑક્ટોબરsu સુધી આ સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ટિકિટનું વેચાણ નહીં થાય.
ગયા વર્ષે ઑક્ટોબરમાં તહેવારોના સમયમાં મુંબઈના બાંદરા રેલવે-સ્ટેશન પર ટ્રેનમાં ચડવા માટે દોડાદોડ કરતી વખતે થયેલી ભાગદોડમાં ૯ મુસાફરો ઘાયલ થયા હતા. પ્લૅટફૉર્મ ટિકિટના વેચાણ પર પ્રતિબંધનો આ નિર્ણય તહેવારોના સમયે વધી જતી ભીડની વચ્ચે મુસાફરોની સુવિધા અને સલામતી માટે લેવામાં આવ્યો છે. વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, દિવ્યાંગ જનો અથવા જે લોકોને વિશેષ સંભાળની જરૂર હોય એવી વ્યક્તિઓ સાથે જનારા લોકોને પ્લૅટફૉર્મ ટિકિટના આ પ્રતિબંધમાં છૂટ આપવામાં આવશે.