એમવીએ સરકારના આદેશો રદ કરવાના શિંદે સરકારના નિર્ણય સામે હાઈ કોર્ટમાં યાચિકા

02 August, 2022 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યાચિકા પાંચ વ્યક્તિઓ દ્વારા દાખલ કરાઈ હતી

ફાઇલ તસવીર

અગાઉની મહાવિકાસ આઘાડી (એમવીએ) સરકારે હાથ ધરેલી નિયુક્તિઓ અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સને લગતા પરિપત્રો પર સ્ટે મૂકવા માટેના એકનાથ શિંદેની રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી યાચિકા સોમવારે બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.

યાચિકા પાંચ વ્યક્તિઓ દ્વારા દાખલ કરાઈ હતી, જેમાંથી કેટલાક ભૂતપૂર્વ આઇએએસ અધિકારીઓ અને સામાજિક કાર્યકરો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની વર્તમાન સરકારે એમવીએ સરકારે પસાર કરેલા ચાર આદેશોને રદ કરતા ચાર ઠરાવ પસાર કર્યા હતા.

આરોપિત ઠરાવો અધિકારક્ષેત્ર વિનાના છે અને મુખ્ય પ્રધાન (એકનાથ શિંદે) કાયદાની રૂએ લેવાયેલા અગાઉની સરકારના નિર્ણયોને અટકાવવા કે રદબાતલ કરવાની સત્તા ધરાવતા નથી એમ યાચિકામાં જણાવાયું હતું.

જસ્ટિસ એસ. વી. ગંગાપુરવાલાના વડપણ હેઠળની ડિવિઝન બેન્ચ સમક્ષ સોમવારે રજૂ કરાયેલી આ યાચિકાની સુનાવણી ચાલુ સપ્તાહના અંતમાં હાથ ધરાવાની શક્યતા છે. મુખ્ય પ્રધાન તથા નાયબ મુખ્ય પ્રધાને તેમની કૅબિનેટની ત્રણથી ચાર બેઠકો યોજી છે, જેમાં તેમણે અગાઉની સરકારના મહત્ત્વના નિર્ણયો રદ કરી દીધા હતા જેમાં મેટ્રો રેલ કારશેડને ફરી આરે કૉલોનીમાં પરત લાવવાનો અને અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મંજૂરી આપવાનો સમાવેશ થાય છે એમ જણાવતાં યાચિકામાં હાલની સરકારે ૨૦થી ૨૫ જુલાઈની વચ્ચે જાહેર કરેલા ઠરાવો રદ કરવાની માગણી કરવામાં આવી છે.

mumbai mumbai news eknath shinde uddhav thackeray mumbai high court bombay high court