03 August, 2026 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી નશામુક્ત અભિયાન લૉન્ચ કર્યું એમાં ભારતભરમાંથી BAPS સ્વામીનારાયણ સંસ્થાનાં ૬૦થી અધિક સેન્ટરોમાં ૩૦,૦૦૦થી અધિક યુવાનો જોડાયા હતા. દાદરમાં યોગી સભાગૃહમાં યોજાયેલા કાર્યક્રમનું સંચાલન પૂજ્ય અક્ષરચરિતસ્વામીએ કર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ‘ડ્રગ્સ-ફ્રી યુથ-ડેવલપ્ડ ઇન્ડિયા રેઝોલ્યુશન કૅમ્પેન’ની શરૂઆત કરી હતી. ૧૦૦ અઠવાડિયાં સુધી ચાલનારા આ રાષ્ટ્રીય અભિયાનમાં દેશભરના એક કરોડથી વધુ યુવાનોને જોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૨૮,૦૦૦થી વધુ સ્થળોએ એકસાથે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનો, રાજ્યપાલો અને અન્ય જનપ્રતિનિધિઓએ પણ અભિયાનમાં ભાગ લઈને યુવાનોને નશામુક્ત ભારત માટે સંકલ્પ લેવડાવ્યા હતા.
આ રાષ્ટ્રીય અભિયાનનું આયોજન ૧૨૫થી વધુ આધ્યાત્મિક સંસ્થાઓ, સ્કૂલો, કૉલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર સંસ્થાઓ અને ઔદ્યોગિક સંગઠનો સાથે મળીને કરવામાં આવી રહ્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાય, બ્રહ્માકુમારીઝ, ઇસ્કૉન, ચિન્મય મિશન અને ઑરોવિલ જેવી અગ્રણી આધ્યાત્મિક સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ પણ આ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને ડ્રગ્સ અને અન્ય હાનિકારક આદતોથી દૂર રહેવાની અપીલ કરીને કહ્યું હતું કે ‘આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ડ્રગ્સની ખરાબ અસરોથી વાકેફ કરવાનો છે અને દરેક કિંમતે એનાથી દૂર રહેવા પ્રેરિત કરવાનો છે. આપણે પ્રતિજ્ઞા લેવી પડશે કે આપણા યુવાનો વ્યસન અને ડ્રગ્સના જોખમોને સમજે, સંપૂર્ણ રીતે જાગૃત રહે અને એનાથી દૂર રહે. આ સંકલ્પ સાથે રાષ્ટ્રીય વ્યસનમુક્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગામી ૧૦૦ રવિવાર સુધી કલા, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને સેવા સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા દેશભરમાં ડ્રગ્સમુક્તિનો સંદેશ ફેલાવવામાં આવશે. આ ૧૦૦ રવિવાર ડ્રગ્સમુક્ત ભારત તરફ ૧૦૦ મજબૂત પગલાં સાબિત થશે.’
વડા પ્રધાને યુવાનોને ડ્રગ્સના વ્યસનના દુષ્પ્રભાવો વિશે ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘વ્યસન ફક્ત એક વ્યક્તિ પર જ નહીં, સમગ્ર પરિવાર પર અસર કરે છે. ડ્રગ્સ માતાનાં સપનાંઓને ચકનાચૂર કરે છે અને બહેનને તેના ભાઈથી અલગ કરે છે.’
પાઇલટ પ્રોજેક્ટ કાશીમાં શરૂ થયો
આ અભિયાન માટેનો પાઇલટ પ્રોજેક્ટ ગયા વર્ષે કાશીમાં શરૂ કરવામાં આવ્યો હતો. આ વિશે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, ‘ગયા વર્ષે કાશીમાં આ અભિયાનનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પહેલમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની સાથે કાશીની આધ્યાત્મિક ઊર્જા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનો પણ સમાવેશ થયો છે.’