૧૦૦ વર્ષ પહેલાં વાવવામાં આવેલું બીજ આજે બની ગયું છે અક્ષય વટવૃક્ષ

01 April, 2025 06:53 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

...અને એ ભારતીય સંસ્કૃતિ તથા રાષ્ટ્રીય ચેતનાને ઊર્જા આપી રહ્યું હોવાનું તેમણે કહ્યું

ગઈ કાલે નરેન્દ્ર મોદીએ માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનું ભૂમિપૂજન કર્યું હતું. એ પ્રસંગે RSSના સર સંઘચાલક ડૉ. મોહન ભાગવત, આચાર્ય અવધેશાનંદગિરિ મહારાજ, સ્વામી ગોવિંદ દેવગિરિ મહારાજ, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી હાજર રહ્યા હતા.

RSSના મુખ્યાલયમાં વડા પ્રધાન તરીકે પહેલી વાર ગયેલા નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યાં સેવાનું કાર્ય હોય ત્યાં RSS હોય

નાગપુરના રેશિમબાગમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયમાં ગઈ કાલે ગુઢીપાડવાના પાવન દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંઘનું શતાબ્દીવર્ષ ચાલી રહ્યું છે ત્યારે સંઘના સ્થાપક ડૉ. કેશવ હેડગેવાર અને ગુરુજી માધવ સદાશિવરાવ ગોલવલકરને સ્મૃતિમંદિરમાં જઈને શ્રદ્ધાંજલિ આપી હતી. વડા પ્રધાને RSSની નિ:સ્વાર્થ સેવાને યાદ કરતાં કહ્યું હતું કે ‘૧૦૦ વર્ષ પહેલાં ભારત ગુલામીના સંકટમાં ઘેરાયેલું હતું ત્યારે દેશની ચેતનાને જગાવીને નવી દિશામાં લઈ જવા માટે ૧૯૨૫માં એક બીજ વાવવામાં આવ્યું હતું જે આજે અક્ષય વટવૃક્ષ બની ગયું છે અને એ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ચેતનાને ઊર્જા આપી રહ્યું છે. ભારતના સામાજિક ઢાંચાને ખતમ કરવા માટે અનેક ક્રૂર પ્રયાસો કરવામાં આવ્યા, પણ ચેતના સમાપ્ત ન થઈ. ભારતમાં સમય-સમય પર આ ચેતનાને જગાવવા માટે નવાં-નવાં સામાજિક આંદોલનો થયાં. ગુરુ નાનકદેવ, કબીરદાસ, તુલસીદાસ, સુરદાસ, સંત તુકારામ, સંત એકનાથ, સંત નામેદવ, સંત જ્ઞાનેશ્વર અને સ્વામી વિવેકાનંદ જેવા મહાન સંતોએ નિરાશામાં ડૂબેલા સમાજને જગાવ્યો; સમાજને એના મૂળ સ્વરૂપની યાદ અપાવી; એમાં આત્મવિશ્વાસ ભર્યો અને આપણી રાષ્ટ્રીય ચેતનાને ખતમ ન થવા દીધી. ગુલામીના છેલ્લા દિવસોમાં ડૉ. હેડગેવાર અને ગુરુજી ગોલવલકર જેવી મહાન વ્યક્તિઓએ સમાજને નવી ઊર્જા આપી. તેમના સિદ્ધાંત અને આદર્શ આ વટવૃક્ષને ઊંચાઈ આપે છે, લાખો-કરોડો સ્વયંસેવકો વટવૃક્ષની ડાળ છે.’

RSSના મુખ્યાલયમાં સ્વ. માધવરાવ ગોલવળકરના ફોટોને નમન કરી રહેલા વડા પ્રધાન. 

સ્મૃતિ મંદરમાં RSSના ફાઉન્ડર ડૉ. કેશવ હેડગેવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહેલા નરેન્દ્ર મોદી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં ગઈ કાલે સ્મૃતિમંદિરમાં દર્શન કરવા ઉપરાંત માધવ નેત્રાલયનું ભૂમિપૂજન પણ કર્યું હતું.

વડા પ્રધાને રેશિમબાગમાં કરેલા ભાષણના મહત્ત્વના અંશઃ

વડા પ્રધાને UAVની ઍરસ્ટ્રિપનું ઉદ્ઘાટન કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નાગપુરની મુલાકાત વખતે સોલર ડિફેન્સ ઍન્ડ ઍરોસ્પેસ લિમિટેડ દ્વારા નિર્માણ કરવામાં આવતી યુદ્ધસામગ્રીની સુવિધા ચકાસી હતી. આ સમયે વડા પ્રધાને અનમૅન્ડ એરિયલ વેહિકલ (UAV) લૉન્ચ કરવા માટેની ઍરસ્ટ્રિપનું ઉદ્ઘાટન કર્યું હતું. નવી બનાવવામાં આવેલી ૧૨૫૦ મીટર લાંબી અને પચીસ મીટર પહોળી ઍરસ્ટ્રિપનો ઉપયોગ ડ્રોન ઉડાવવા અને યુદ્ધસામગ્રીનું પરીક્ષણ કરવા માટે કરવામાં આવશે. ઉપરાંત વડા પ્રધાને લાઇવ યુદ્ધસામગ્રી અને વૉરહેડ ટેસ્ટિંગ સુવિધાનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. અહીં ગાઇડેડ મિસાઇલ અને અન્ય આધુનિક સુરક્ષાનાં ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવશે.

nagpur narendra modi bharatiya janata party rashtriya swayamsevak sangh maharashtra news maharashtra