30 October, 2025 07:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મુંબઈમાં મૅરિટાઇમ લીડર્સ કૉન્ક્લેવને સંબોધિત કરતા નરેન્દ્ર મોદી, ઇન્ડિયા મૅરિટાઇમ વીક 2025ના એક્ઝિબિશન્સ સ્ટૉલ્સની વડા પ્રધાને મુલાકાત લીધી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે મુંબઈમાં હતા. ગોરેગામના બૉમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં ચાલી રહેલા મૅરિટાઇમ વીક-2025માં મૅરિટાઇમ લીડર્સ કૉન્ક્લેવને તેમણે સંબોધિત કરી હતી અને ત્યાર બાદ મૅરિટાઇમ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ફોરમની અધ્યક્ષતા પણ કરી હતી. આ અવસરે નરેન્દ્ર મોદીએ આ કૉન્ક્લેવ માટે ઉપસ્થિત રહેલા ૮૫ દેશોનાં ડેલિગેશન્સ સાથે ચર્ચા પણ કરી હતી.
આ આયોજનને વડા પ્રધાને મૅરિટાઇમ એટલે કે દરિયાઈ સેક્ટરમાં સહયોગ માટેનો ખૂબ મહત્ત્વનો મંચ ગણાવ્યું હતું અને ભારતના મૅરિટાઇમ સેક્ટરની ઉપલબ્ધિઓ વર્ણવી હતી. નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં એવું કહ્યું હતું કે ‘જ્યારે વૈશ્વિક દરિયો તોફાને ચડ્યો હોય ત્યારે આખું વિશ્વ કોઈ એક સ્થિર દીવાદાંડી શોધે છે. ભારત એવી દીવાદાંડીની ભૂમિકા ખૂબ મજબૂત રીતે ભજવી શકે એમ છે. આજે વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે ભારત શાંતિ અને વિકાસનું પ્રતીક છે.’
‘યુનાઇટિંગ ઓશન્સ, વન મૅરિટાઇમ’ વિઝનની થીમ પર ૨૭થી ૩૧ ઑક્ટોબર સુધી યોજાયેલા મૅરિટાઇમ વીક-2025માં એક લાખ કરતાં વધુ ડેલિગેટ્સ, ૫૦૦થી વધુ એક્ઝિબિટર્સ હતા અને ૩૫૦થી વધુ ઇન્ટરનૅશનલ સ્પીકર્સ જોડાયા છે.