પોલીસે લગ્ન માટેના દાગીનાચોરોને ૧૩ દિવસ વેશપલટો કરીને પકડ્યા

27 November, 2022 12:03 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલા ૯૦ ટકા દાગીના અને કૅશ રિકવર કર્યાં હતાં

આરોપી હબીબ સૈફી અને રમેશ રાજપૂત

મીરા રોડમાં પુત્રનાં લગ્ન માટે ઘરમાં રાખવામાં આવેલા ૯.૩૫ લાખ રૂપિયાના સોનાના દાગીના અને કૅશની ચોરી થવાની ઘટનામાં આરોપીઓને પકડવા માટે પોલીસ ઉત્તર પ્રદેશ અને નવી દિલ્હીમાં ૧૩ દિવસ વેશપલટો કરીને રહી હતી અને ત્રણ ચોર ઉપરાંત ચોરીનો માલ ખરીદવાના આરોપસર ચાર આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી થયેલા ૯૦ ટકા દાગીના અને કૅશ રિકવર કર્યાં હતાં.

મીરા રોડના કાશીમીરા ખાતે અમર પૅલેસ હોટેલ પાસેની ન્યુ શ્રી ગણેશકૃપા સોસાયટીમાં પ્રવીણ શેટ્યે તેમના પરિવાર સાથે રહે છે. પુત્રનાં લગ્ન હોવાથી તેમણે સોનાના દાગીના અને રોકડ રકમ ઘરમાં રાખી હતી. પાંચમી નવેમ્બરે બપોરના પ્રવીણ શેટ્યે લગ્ન માટેના હૉલની ઇન્ક્વાયરી કરવા ગયા હતા. તેઓ પાછા ફર્યા ત્યારે તેમના ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યા બાદ કબાટમાં રાખેલા સોનાના દાગીના અને રોકડ રકમ મળીને ૯,૩૫,૦૦૦ રૂપિયાની માલમતાની ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. તેમણે પોલીસને જાણ કરતાં કાશીમીરા પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ચોરીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

ઉત્તર પ્રદેશમાંથી એકને ઝડપ્યો
કાશીમ‌ીરા પોલીસના જણાવ્યા મુજબ ચોરીનો મુખ્ય આરોપી હબીબ હાફિજ સૈફી ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલા વતનમાં છુપાયો હોવાની માહિતી મળ્યા બાદ કાશીમીરા પોલીસની ટીમ અહીં પહોંચી હતી. આરોપીને પકડવા માટે પોલીસે અહીં જુદા-જુદા વેશ ધારણ કરીને બે દિવસ રોકાઈ હતી. રાતના સમયે હબીબ સૈફી ઘરે પહોંચ્યો હતો ત્યારે તેને ઝડપી લીધો હતો.

પોલીસના ૯ દિવસ ધામા
ચોરીનો મુખ્ય આરોપી તો પોલીસને હાથ લાગી ગયો હતો, પરંતુ ચોરીનો માલ તેણે તેના દિલ્હીમાં રહેતા સાગરીત રમેશ ઉર્ફે કાલુ રાજપૂત અને અકબર સૈફીને આપ્યો હોવાનું કહ્યું હતું. પોલીસે આ બન્ને આરોપીને પકડવા માટે દિલ્હીમાં ૯ દિવસ ધામા નાખ્યા હતા. આરોપીઓનો પત્તો નહોતો લાગતો એટલે અહીં પોલીસે શાકવાળા, ફર્નિચર રિપેરિંગવાળા અને ફ્રૂટ વેચવાવાળા સહિતના વેશ ધારણ કર્યા હતા. બાદમાં પોલીસને આ બે આરોપીને પકડવામાં સફળતા મળી હતી. તેમણે દાદાસાહેબ ઉર્ફે પિન્ટુ મોહિતે નામની વ્યક્તિને સોનાના દાગીના વેચ્યા હોવાનું જણાવતાં પોલીસે દાદાસાહેબ પાસેથી ૨૨૦ ગ્રામ સોનાના દાગીના જપ્ત કર્યા હતા.

ટ્રેનમાં દિલ્હી પલાયન થતા હતા
કાશીમીરા પોલીસ સ્ટેશનના ‌સિનિયર ઇન્સ્પેક્ટર સંજય હજારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણેય આરોપી રીઢા ચોર છે. તેમની સામે ચોરીના ૧૫ જેટલા કેસ વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. તેઓ બંધ ઘર, ઑફિસ કે દુકાનમાં હાથફેરો કરીને ટ્રેનમાં દિલ્હી પલાયન થઈ જતા હતા. પોલીસથી બચવા માટે તેઓ ચોરીનો માલ પણ સાથે નહોતા રાખતા. અમારી ટીમે ૧૩ દિવસ સુધી આરોપીઓનો પીછો કરીને ઝડપ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ ચોરાયેલી માલમતામાંથી ૯૦ ટકા રિકવરી કરવામાં આવી છે.’

mumbai mumbai news Crime News mumbai crime news mira road mumbai police prakash bambhrolia