28 October, 2026 09:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રામ પુર્ણેકરની અટકાયત કરવામાં આવી હતી.
શિવસેના (UBT)ના નેતા પ્રદીપ પુર્ણેકરની હત્યાને ૨૭ દિવસ વીતી ગયા હોવા છતાં આ ષડયંત્રના મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી નથી. આના વિરોધમાં તેમના પુત્ર રામ પુર્ણેકરે ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના થાણેના શુભ-દીપ નિવાસસ્થાન બહાર આંદોલન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વાગળે એસ્ટેટ પોલીસે ધરણાં પર બેસે એ પહેલાં જ તેની અટકાયત કરી લીધી હતી. અટકાયત દરમ્યાન રામ પુર્ણેકર ભાવુક થઈ ગયો હતો અને રડી પડ્યો હતો. ‘મારા પિતાજી ગુમાવ્યા છે સાહેબ...’ એમ કહીને તે ખૂબ જ લાગણીવશ થઈ ગયો હતો. પોલીસે માંડ-માંડ તેને સમજાવીને રિક્ષામાં બેસાડીને પોલીસ-સ્ટેશને મોકલી આપ્યો હતો.
આ ઘટના બાદ થાણેનું રાજકારણ ગરમાઈ ગયું હતું. રામ પુર્ણેકરનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો તેમ જ તેની અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર મળતાં જ શિવસેના (UBT)ના ભૂતપૂર્વ સંસદસભ્ય રાજન વિચારે, MNSના નેતા અવિનાશ જાધવ સહિતના અનેક અગ્રણી નેતાઓ પોલીસ-સ્ટેશન પહોંચ્યા હતા અને વિરોધ-પ્રદર્શન નોંધાવ્યું હતું. કેટલાક સમર્થકો પોલીસ-સ્ટેશનની બહાર પણ ધરણાં પર બેસી ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે વધારાનો સ્ટાફ બોલાવીને મામલો શાંત પાડ્યો હતો. પ્રદીપ પુર્ણેકરને ન્યાય મળે એ માગણી સાથે આગામી સમયમાં થાણેમાં એક સર્વપક્ષીય મોરચો કાઢવામાં આવશે, જેમાં BJPના સ્થાનિક હોદ્દેદારો પણ જોડાશે એવી માહિતી અગ્રણી નેતાઓએ પત્રકારો સામે આપી હતી.
મીનાક્ષી શિંદેની ૭ કલાક સુધી પૂછપરછ
આ હત્યાકેસમાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદેની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. થાણેની ક્રાઇમ બ્રાન્ચે સમન્સ મોકલ્યા બાદ ગઈ કાલે બપોરે એક વાગ્યે તેઓ તપાસ માટે થાણેની ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયાં હતાં. ૭ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. મીનાક્ષી શિંદેએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ‘જ્યારે પણ મને પૂછપરછ માટે બોલાવવામાં આવશે ત્યારે હું હાજર રહીશ એ મેં અગાઉ પણ કહ્યું હતું. એ મુજબ હું અહીં આવી છું અને પોલીસને સંપૂર્ણ સહકાર આપીશ.’