17 February, 2026 12:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વસઈમાં રહેતા ૮૨ વર્ષના સિનિયર સિટિઝને ડિજિટલ અરેસ્ટ ફ્રૉડમાં ગુમાવેલા ૬૧.૯૮ લાખ રૂપિયા મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસની સાઇબર ટીમે સતત પાંચ મહિના મહેનત કરી રિકવર કરીને પીડિતને પાછા આપી દીધા છે. આ મામલે પીડિતે ૨૦૨૫ની ૨૭ સપ્ટેમ્બરે માણિકપુર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ વૉટ્સઍપ પર વિડિયો-કૉલ કરીને પોતાની ઓળખ પોલીસ-અધિકારી તરીકે આપીને કાનૂની કાર્યવાહીનો ભય બતાવી ૬૧,૯૮,૪૨૧ રૂપિયાની રકમ વિવિધ બૅન્ક-ખાતાંઓમાં પડાવી લીધી હતી. ફરિયાદની નોંધ થતાં સાઇબર પોલીસે ટેક્નિકલ માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી. બીજી તરફ સાઇબર છેતરપિંડીમાં ગુમાવેલા પૈસા પાછા મળતાં પીડિતે રાહતનો શ્વાસ લીધો છે.
MBVV પોલીસની સાઇબર ટીમના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી વરિષ્ઠ નાગરિકને વૉટ્સઍપ પર આવેલા વિડિયો-કૉલમાં આરોપીએ પોતે પોલીસ-અધિકારી હોવાનું જણાવી તેનો મોબાઇલ નંબર શંકાસ્પદ કૃત્યમાં સંડોવાયેલો હોવાનું કહ્યું હતું. બાદમાં કેસમાંથી છુટકારો અપાવવા માટે આરોપીએ મોટી રકમની માગણી કરી હતી. ભયભીત થયેલા ફરિયાદીએ જુદાં-જુદાં શંકાસ્પદ બૅન્ક-ખાતાંઓમાં ૬૧,૯૮,૪૨૧ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. બાદમાં છેતરપિંડી થયાનું ધ્યાનમાં આવતાં તેણે અમારો સંપર્ક કર્યો હતો. ફરિયાદ મળતાં જ અમારી ટીમે નૅશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર વિગત દાખલ કરી હતી. તપાસ દરમ્યાન રકમ ૧૦ અલગ-અલગ બૅન્ક-ખાતાંઓમાં જમા થયેલી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ તમામ બૅન્કને સતત પત્રવ્યવહાર કરીને ૭ ખાતાંઓમાં રહેલી ૬૧,૯૮,૪૨૧ રૂપિયાની રકમ ફ્રીઝ કરાવી હતી. રકમ ફ્રીઝ થયા હોવાનુ સમજાતાં ફરિયાદીને કોર્ટમાં અરજી કરવા માર્ગદર્શન આપી કોર્ટના આદેશ બાદ રકમ પરત કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.’