સાઇકલની બબાલ : નવ જ વર્ષના બાળક સામે એફઆઇઆર

17 May, 2022 08:16 AM IST  |  Mumbai | Shirish Vaktania

ગોરેગામની સોસાયટીમાં ટીવી ઍક્ટ્રેસની સિનિયર સિટિઝન મમ્મીનો બાળકની સાઇકલ સાથે ઍક્સિડન્ટ થતાં ધમાલ : જોકે બાળક સામે અકસ્માતનો ગુનો નોંધવાનો પોલીસને કોઈ અધિકાર નથી એવી દલીલ

" મેં કેસ દાખલ કર્યો, કેમ કે હું બાળકને નહીં, બાળકના પેરન્ટ્સ સામે ગુનો નોંધાવવા માગતી હતી." : સિમરન સચદેવા

ગોરેગામની વનરાઈ પોલીસે ૯ વર્ષના બાળક સામે સાઇકલ ચલાવતી વખતે ટીવી-અભિનેત્રી સિમરન સચદેવાની મમ્મીને ઈજા પહોંચાડવા બદલ એફઆઇઆર નોંધ્યો છે. આ બાબતે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીનું કહેવું છે કે પોલીસને આટલા નાના બાળક સામે અકસ્માતનો ગુનો નોંધવાનો કોઈ હક નથી. અભિનેત્રીએ કહ્યું કે હું બાળકના પેરન્ટ્સ સામે પગલાં લેવાની માગણી સાથે પોલીસ-સ્ટેશન ગઈ હતી, તો પોલીસે નવો જ રાગ આલાપતાં કહ્યું કે એ ટૂંક સમયમાં કેસ બંધ કરી દેશે.

૨૭ માર્ચે ગોરેગામ-ઈસ્ટમાં નેસ્કોની નજીક આવેલા લોઢા ફ્લોરેન્ઝામાં બનેલા આ બનાવમાં અભિનેત્રી સિમરન સચદેવાનાં ૬૨ વર્ષનાં મમ્મી સાંજે વૉક કરવા નીકળ્યાં હતાં એ સમયે બાળકની સાઇકલ તેમની સામે ધસી જતાં તેઓ પડી ગયાં હતાં. અભિનેત્રીએ કહ્યું કે મારી માતાને હિપ ડિસલોકેશનને કારણે ઑપરેશન કરાવવું પડ્યું અને હજી સુધી તેઓ સ્વસ્થ નથી થયાં. 
સાઇકલ ચલાવનાર બાળકના પેરન્ટ્સ તેની મમ્મીની તબિયત વિશે જરાય ચિંતિત ન હોવાથી અભિનેત્રીએ હાલમાં ફરિયાદ નોંધાવી છે. સિમરન સચદેવાએ ‘છોટી સરદારની’, ‘નાગિન 3’ અને ‘સુપર કોપ્સ વર્સસ સુપર વિલન્સ’ સિરિયલમાં કામ કર્યું હતું.

સિમરન સચદેવાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મેં કેસ દાખલ કર્યો, કેમ કે હું બાળકને નહીં, બાળકના પેરન્ટ્સ સામે ગુનો નોંધાવવા માગતી હતી. લગભગ દોઢ મહિનાથી મારી મમ્મી સંપૂર્ણ પથારીવશ છે. બાળકની મમ્મીએ માત્ર વૉટ્સઍપ પર સૉરીનો સંદેશ મોકલીને પોતાની જવાબદારી પૂરી કરી હતી. કોઈ જવાબદારી ઉઠાવવાની વાત તો જવા દો, તેણે એક વાર મારી મમ્મીની ખબર જોવા આવવાની પણ તસ્દી નથી લીધી. જ્યારે મેં તેને પૂછ્યું કે તેણે સિનિયર સિટિઝન્સ વૉક લેતા હોય એવા સ્થળે બાળકને સાઇકલ કેમ ચલાવવા દીધી, તો તેની પાસે કોઈ ઉત્તર નહોતો આપ્યો.’

અભિનેત્રીએ જણાવ્યા અનુસાર આ બાળકની મમ્મીએ જ તેને પોલીસમાં અને કોર્ટમાં ફરિયાદ કરવાની ચૅલેન્જ આપી હતી. તેણે બાળકના પરિવાર પાસે વળતરપેટે પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. તેનું કહેવું છે કે તે બાળકની કારકિર્દી બરબાદ કરવા નથી માગતી, પરંતુ તેના પેરન્ટ્સને પાઠ શીખવવા માગે છે કે ભવિષ્યમાં એ લોકો કોઈને દુઃખ થાય એવું વર્તન કરતાં વિચારશે.

બાળક સામે ગુનો નોંધવા બાબતે પોલીસે કહ્યું હતું કે તેઓ પેરન્ટ્સ સામે પગલાં ન લઈ શકે, પરંતુ પહેલાં બાળક સામે ગુનો નોંધીને પછી તેના પેરન્ટ્સ સામે પગલાં લેશે.

બાળકની મમ્મીએ કહ્યું કે ‘તે પોતાના મિત્રના કહેવાથી સોસાયટીના પોડિયમમાંથી સાઇકલ લઈને બહાર ગયો હતો. મારા પુત્રના મિત્રને પણ ઈજા પહોંચી છે અને એથી તે  સાઇકલ ચલાવી નથી શકતો. હું બિઝનેસ મીટિંગમાં હોવાથી મારા દીકરાએ મને એ સમયે ઘટનાની જાણ કરી નહોતી. મારા પુત્રએ અને મેં બન્નેએ તેમની માફી માગી છે, પરંતુ તે અમારી વાત સાંભળવા જ તૈયાર નથી. તેણે મારા ૯ વર્ષના દીકરા સામે કેસ નોંધ્યો છે. આ એક અક્માત હતો, પરંતુ તેણે મારા દીકરા વિરુદ્ધ જઘન્ય ગુનાઓની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.’

અભિનેત્રીએ પાંચ લાખ રૂપિયાના વળતરની નોટિસ મોકલી છે, પરંતુ મારી પાસે એટલા પૈસા નથી. મારા પતિ પાઇલટ છે અને લૉકડાઉનમાં તેમનું કામ બંધ હતું, જે માંડ હમણાં જ શરૂ થયું છે.

અભિનેત્રી કહે છે કે બાળકની માતાના વર્તનથી મને દુઃખ પહોંચ્યું છે એટલે જ મેં વળતરની માગણી કરી છે.

બાળક સામે કેસ નોંધાયા બાદ તેની મમ્મીએ ચાઇલ્ડ વેલ્ફેર કમિટી (સીડબ્લ્યુસી) સમક્ષ રજૂઆત કરી છે, જેણે આને અકસ્માતનો કેસ ગણાવતાં કહ્યું કે આવા કેસમાં પોલીસ સીડબ્લ્યુસી કે જુવેનાઇલ બોર્ડની સલાહ મેળવ્યા બાદ જ કેસ નોંધે છે.  

પોલીસનું કહેવું છે કે બાળક ૭ અને ૧૨ વર્ષની વચ્ચેની કિશોરવયનો છે. કેસ નોંધતી વખતે મહિલાને ગંભીર ઈજા પહોંચી હોવાથી અમે કોઈની સલાહ લીધી નહોતી. હવે અમે કેસનો નિકાલ લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. અમે રિપોર્ટ દાખલ કરીશું ત્યાર બાદ કેસ રદ થઈ જશે. 

mumbai mumbai news goregaon mumbai police shirish vaktania