18 August, 2026 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં વાહનો પર આમદાર, ખાસદાર કે મંત્રીનાં નકલી બોર્ડ અને સ્ટિકર લગાવીને રોફ જમાવતા વાહનચાલકો સામે પોલીસે હવે લાલ આંખ કરી છે. બાંદરા પોલીસે ૧૫ ઑગસ્ટે રાત્રે કોમ્બડી ગલી વિસ્તારમાં કરેલી નાકાબંધી દરમ્યાન મારુતિ સુઝુકીની અર્ટિગા કાર પર આમદાર લખાવનાર ૨૯ વર્ષના ચેમ્બુરના યુવાન સામે છેતરપિંડીની ફરિયાદ નોંધીને તેની કાર જપ્ત કરી છે. મુંબઈ પોલીસ હવે વાહનો પર નકલી પદ કે લોગોનો ઉપયોગ કરતા લોકો સામે સીધો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને કડક પગલાં ભરી રહી છે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ આવા કિસ્સાઓમાં હવે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપ્યા વગર સીધી છેતરપિંડીની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બાંદરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાકાબંધી દરમ્યાન યુવકની પૂછપરછ કરતાં તે ચેમ્બુરના માહુલ રોડ વિસ્તારનો હોવાની માહિતી આપી હતી. તે પેટ સ્ટોરમાં કામ કરે છે. અમે તેને આમદારના સ્ટિકર વિશે પૂછપરછ કરી અને તે કયા આમદાર સાથે સંકળાયેલો છે એ વિશે સવાલો પૂછ્યા ત્યારે તે ગોળ-ગોળ જવાબો આપવા લાગ્યો હતો. આખરે તેણે સ્વીકાર્યું હતું કે તે પોતે કે તેની કાર કોઈ પણ આમદાર કે લોકપ્રતિનિધિ સાથે સંબંધ ધરાવતાં નથી. માત્ર પોલીસ કે સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવા અને વટ પાડવા માટે તેણે આ નકલી સ્ટિકર કાર પર લગાવ્યું હતું. કોઈ પણ સરકારી પદ સાથે સંકળાયેલા ન હોવા છતાં આમદાર હોવાનો આભાસ ઊભો કરીને સરકાર સાથે છેતરપિંડી કરવા બદલ અમે તેની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધીને તેની કાર જપ્ત કરી લીધી છે. આ કેસમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.’