05 November, 2025 10:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બચાવી લેવાયેલી બાળકી સાથે વર્સોવા પોલીસ-સ્ટેશનનાં મહિલા પોલીસ-કર્મચારી.
રવિવારે વર્સોવાના ચાચા નેહરુ ગાર્ડનમાંથી ત્યજી દેવાયેલી એક મહિનાની બાળકી મળી આવી હતી. વર્સોવા પોલીસને આ વિશે જાણ કરવામાં આવતાં પોલીસ તરત જ ત્યાં ધસી ગઈ હતી અને બાળકીને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર બાળકીની તબિયત હવે સારી છે. તે બાળકીને પાર્કમાં કોણ અને ક્યારે મૂકી ગયું એની વર્સોવા પોલીસ તપાસ કરી રહી છે. એ માટે આજુબાજુના વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ ચેક કરવામાં આવી રહ્યાં છે. વર્સોવા પોલીસ-સ્ટેશનનાં મહિલા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દીપશિખા વારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે તે બાળકીને કોણ મૂકી ગયું એની શોધ ચાલુ કરી છે. હાલ બાળકી તંદુરસ્ત છે, હૉસ્પિટલમાં છે. તેને ડિસ્ચાર્જ અપાયા બાદ અંધેરીના સેન્ટ કૅથરિન અનાથાલયમાં રાખવામાં આવશે.’