ફાઉન્ટન બ્રિજ પરથી કૂદવા જતા દંપતી અને બે બાળકીઓને પોલીસે બચાવ્યાં

16 September, 2026 08:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઘટનામાં પોલીસની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

પ્રતીકાત્મક તસવીર

થાણેના ફાઉન્ટન બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહેલા એક જ પરિવારના ચાર સભ્યોને પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બચાવી લીધા છે. મંગળવારે વહેલી સવારે બનેલી 
આ ઘટનામાં પોલીસની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV)ના પોલીસ-કમિશનર નિકેત કૌશિકને રાત્રે ૧.૫૮ વાગ્યે બાતમી મળી હતી કે એક વ્યક્તિ તેની પત્ની અને બે નાની પુત્રીઓ સાથે ફાઉન્ટન બ્રિજ પરથી કૂદીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરી રહી છે. માહિતી મળતાં જ પોલીસ ૨૦ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિવારને સમજાવીને તેમનો જીવ બચાવ્યો હતો.

મીરા રોડ-ઈસ્ટમાં રહેતા અને ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતા આ માણસે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તે ગંભીર આર્થિક તંગી અને દેવાના કારણે આ આત્યંતિક પગલું ભરવા મજબૂર બન્યો હતો. પોલીસ-અધિકારીઓ પતિ-પત્ની અને બન્ને બાળકીઓને સુરક્ષિત રીતે કાશીગાવ પોલીસ-સ્ટેશન લઈ આવ્યા હતા. ત્યાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું તેમ જ તેમનાં ભાઈ-બહેનને બોલાવીને પારિવારિક વિવાદનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થી કરવામાં આવી હતી.

mumbai news mumbai thane thane crime mumbai police suicide