27 November, 2025 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પવઈ પોલીસે મુંબઈમાં મળી આવેલી મહિલાને તેના પરિવારને પાછી સોંપી હતી.
પવઈના જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પરથી ૧૬ નવેમ્બરે માનસિક રીતે અસ્થિર હાલતમાં એક મહિલા મળી આવી હતી. ૪૫ વર્ષની આ મહિલાના પરિવારને શોધવા માટે પવઈ પોલીસે ઘણી જહેમત ઉપાડી હતી. સતત ૯ દિવસ વિવિધ માધ્યમથી તપાસ કર્યા બાદ મહિલાના પરિવારને શોધવામાં પોલીસને સફળતા મળી હતી. મહિલાને કર્ણાટકમાં રહેતા તેના પરિવારને પોલીસે મંગળવારે પાછી સોંપી દીધી હતી. ૪ નવેમ્બરે મહિલા કર્ણાટકથી ગુમ થઈ હતી અને એ પછી મુંબઈ પહોંચી ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. આ મહિલા માનસિક રીતે અસ્થિર હોવાની જાણકારી મળતાં પોલીસ દ્વારા એક નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન (NGO)ની મદદ લઈને તેની યોગ્ય કાળજી લેવામાં આવી હતી એટલું જ નહીં, તેનો ઇલાજ કરવા માટેના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા.
પવઈ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નિર્ભયા પથકની ટીમને આ મહિલા બેહોશ હાલતમાં ૧૬ નવેમ્બરે રાતે જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડ પર શિપિંગ કૉર્પોરેશનના ગેટ નજીક મળી આવી હતી. તેને ઇલાજ માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવી હતી અને તેની ઓળખ માટે આસપાસનાં પોલીસ-સ્ટેશનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મહિલા અહીંની ન હોવાની ખાતરી થયા પછી બીજાં રાજ્યોની પોલીસ સાથે સંપર્ક કરીને ગુમ થયેલી વ્યક્તિઓની યાદી મગાવી હતી. એ પ્રયાસો પછી કર્ણાટકમાં રહેતા આ મહિલાના પરિવાર સુધી અમે પહોંચી શક્યા હતા.’