મુંબઈમાં ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદની શક્યતા

08 September, 2021 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેધશાળાએ થાણે, પાલઘર અને રાયગડ જિલ્લામાં પણ લોકોને અલર્ટ રહેવા કહ્યું: વરસાદનું જોર વધતાં રાજ્યના અનેક જિલ્લામાં પૂરની સ્થિતિ

મુંબઈમાં ૪૮ કલાક ભારેથી અતિભારે વરસાદની શક્યતા

મહારાષ્ટ્રના રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, કોલ્હાપુર સહિતના જિલ્લાઓમાં ગયા મહિને ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી ફરી આમાંના અનેક જિલ્લામાં જોરદાર વરસાદ પડી રહ્યો હોવાથી નદી-નાળાં છલકાઈને વહી રહ્યાં છે અને હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી ગઈ કાલે કરી હોવાથી મુશ્કેલી વધી શકે છે. ચિપલૂણમાં ગઈ કાલે અનેક જગ્યાએ પૂરની પરિસ્થિતિ ઊભી થતાં બચાવકાર્ય હાથ ધરવું પડ્યું હતું. જળગાંવ જિલ્લામાં ભારે વરસાદથી અનેક નદીઓમાં પૂર આવવાથી કેટલાંક ગામોના સંપર્ક તૂટી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ગયા અઠવાડિયે અહીંના ચાળીસગાવ તાલુકામાં વરસાદને લીધે ભારે નુકસાન થયું હતું. 
મુંબઈમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી હતી, પરંતુ શહેરમાં છૂટોછવાયો જ વરસાદ થવાથી લોકોએ રાહત અનુભવી હતી. જોકે થાણે, પાલઘર અને રાયગડ જિલ્લામાં ગઈ કાલે હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.
જોકે ગઈ કાલે કોકણના કેટલાક વિસ્તારમાં ફરી ભારે વરસાદ પડ્યો હતો. ચાળીસગાવ તાલુકામાં આવેલી તિતુર અને ડોંગરી નદીઓ જોખમી રીતે વહેતી હોવાથી કિનારાના વિસ્તારમાં ફરી પૂરનું જોખમ ઊભું થયું હતું. ગયા મહિને આવેલા પૂરમાંથી ગામવાસીઓ ધીમે-ધીમે ઊગરી રહ્યા છે ત્યારે ફરી પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. ચિપલૂણમાં સતત ૨૪ કલાકથી વરસાદ પડી રહ્યો છે.
આવી જ રીતે મરાઠવાડા, લાતુર, નાગપુર વગેરે વિસ્તારમાં પણ ગઈ કાલે વધારે વરસાદ થવાથી નીચાણવાળાની સાથે નદી કિનારાના વિસ્તારમાં પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. સાવધાની માટે અહીં બચાવકામની ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે અને લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાનું કહી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
હવામાન વિભાગે ગઈ કાલે ફરી કોકણ, ગોવા, પાલઘર, મુંબઈ, રાયગડ વગેરે જિલ્લાઓમાં આગામી ૨૪થી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. કોકણ, રત્નાગિરિ અને રાયગડમાં રેડ અલર્ટ જારી કરવામાં આવી હતી. આ તમામ જિલ્લામાં અતિવૃષ્ટિની શક્યતાને ધ્યાનમાં રાખીને અલર્ટ જારી કરાઈ છે. કેટલેક સ્થળે તો મુશળધારથી અતિમુશળધાર વરસાદની પણ શક્યતા છે.
બંગાળની ખાડીમાં ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થવાથી એની અસર મહારાષ્ટ્રમાં થઈ રહી છે. કોકણ, મધ્ય મહારાષ્ટ્રની સાથે વિદર્ભ અને મરાઠવાડામાં પણ આગામી ૨થી ૩ દિવસ મુશળધાર વરસાદ પડી શકે છે.

Mumbai mumbai news mumbai weather