બૅન્કના મશીનમાં જમા થઈ ચિલ્ડ્રન્સ બૅન્ક ઑફ ઇન્ડિયાની ૫૦૦ રૂપિયાના મૂલ્યની ૧૦૦ નકલી નોટો

18 June, 2026 12:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મશીને બનાવટી નોટ ઓળખીને જુદી કરી નાખી એટલે પોલ પકડાઈ, ગ્રાહક સામે ગુનો દાખલ

પ્રતીકાત્મક તસવીર

પ્રભાદેવી વિસ્તારમાં આવેલી નામાંકિત બૅન્કના કૅશ ડિપોઝિટ મશીનમાં છેતરપિંડી કરવાના ઇરાદે એક ગ્રાહકે ૫૦૦ના મૂલ્યની ચિલ્ડ્રન્સ બૅન્ક ઑફ ઇન્ડિયા લખેલી ૧૦૦ નકલી નોટો ડિપોઝિટ કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ ગંભીર છેતરપિંડી વિશે બૅન્કના બ્રાન્ચ-મૅનેજરે ગઈ કાલે સંબંધિત ગ્રાહક વિરુદ્ધ દાદર પોલીસ-સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.
મંગળવારે સાંજે જ્યારે બૅન્કના અધિકારીઓ મશીનમાંથી રોકડ રકમ બહાર કાઢી રહ્યા હતા ત્યારે તેમનું ધ્યાન અમુક નોટો પર ગયું જેના પર વિવિધ ઍક્ટર્સના ફોટો અને શંકાસ્પદ લખાણ હતું. આ મામલો સામે આવતાં જ બૅન્ક-પ્રશાસન દ્વારા મંગળવારની મોડી રાત સુધી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી જેમાં CCTV ફુટેજના માધ્યમથી નકલી નોટો જમા કરાવનાર ગ્રાહકની સચોટ ઓળખ કરી લેવામાં આવી હતી. 

દાદર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે બૅન્કના કૅશિયર દ્વારા કૅશ ડિપોઝિટ મશીનમાંથી રોકડ ખાલી કરી રહ્યા હતા ત્યારે મશીનના બીજા ખાનામાંથી ૫૦,૦૦૦ રૂપિયાની આ નકલી નોટો મળી આવી હતી. આ આધુનિક મશીનની ખાસિયત છે કે એ અસલી નોટો સ્વીકારીને ખાતામાં જમા કરે છે, જ્યારે શંકાસ્પદ કે નકલી નોટોને અલગ ખાનામાં જમા કરી લે છે અને એને ગ્રાહકના ખાતામાં ક્રેડિટ થવા દેતું નથી. આ નોટોની બારીકાઈથી તપાસ કરતાં એના પર મહાત્મા ગાંધીની જગ્યાએ વિવિધ ફિલ્મી સ્ટારનાં ચિત્રો તો હતાં, પરંતુ સાથે ભારતીય બચ્ચોં કા બૅન્ક અને For Projection use only જેવું લખાણ અંગ્રેજી તથા હિન્દીમાં લખેલું જોવા મળ્યું હતું. આ મામલે બૅન્ક-મૅનેજરે જ્યારે પોર્ટલ અને CCTV કૅમેરાના ફુટેજની તપાસ કરી ત્યારે જાણ થઈ કે સોમવારે રાત્રે એક માણસ આ નોટો જમા કરાવી રહ્યો હતો. આરોપીનું બૅન્કમાં જ ખાતું હોવાની માહિતી સામે આવી છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’

mumbai news mumbai dadar prabhadevi Crime News mumbai crime news