મુંબઈ સહિત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ

10 June, 2026 07:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘાટકોપર-વિક્રોલીમાં જોરદાર ઝડી, ગરમીથી રાહત મળી ; પણ આ હજી પ્રી-મૉન્સૂન શાવર

ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બહાર વરસાદથી ભીનો થયેલો રસ્તો . તસવીર : આશિષ રાજે

રાજ્યમાં મૉન્સૂન ૬ જૂને દાખલ થયું હતું અને ગઈ કાલે સાંજે મુંબઈ સહિત રાજ્યભરમાં અનેક જગ્યાએ વરસાદ પડ્યો હતો. જોકે હવામાન ખાતાનું કહેવું છે કે આ તો હજી પ્રી-મૉન્સૂન શાવર જ છે. સાઉથ વેસ્ટ મૉન્સૂનનું હજી સુધી મુંબઈમાં આગમન થયું નથી. મુંબઈના ઈસ્ટર્ન સબર્બ્સ ઘાટકોપર, વિક્રોલી, સાઉથ મુંબઈ સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ પડતાં મુંબઈગરાઓએ ગરમીથી રાહત અનુભવી હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી T20 મુંબઈ લીગની મૅચ દરમ્યાન વરસાદ પડતાં ૧૫ મિનિટ અટકાવવી પડી હતી. 

ગરમીથી રાહત મેળવનાર મુંબઈગરાઓ સાથે જ મુંબઈમાં ટૂ-વ્હીલર પર નીકળેલા મુંબઈગરાઓએ છાપરું શોધીને થોભી જવું પડ્યું હતું. વળી એ સાથે જ રસ્તા પર માટી ભીની થતાં રસ્તો સ્લિપરી બનતાં તેમણે ટૂ-વ્હીલર ચલાવતી વખતે ભારે કાળજી લેવી પડી હતી. ગઈ કાલે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૫.૮ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૩૫.૪ ડિગ્રી નોંધાયું હતું. હવામાન ખાતાએ આજે પણ મુંબઈમાં વાદળ છવાયેલાં રહેશે અને વરસાદનાં હળવાં ઝાપટાં પડી શકે એવી આગાહી કરી છે. 

નાશિકમાં દાડમના ખેડૂતોને નુકસાન
મૃગ નક્ષત્રના પહેલા વરસાદમાં ગઈ કાલે નાશિકના ચાંદવડ તાલુકામાં સુસવાટા મારતા પવન સાથે તૂટી પડેલા કરાના વરસાદને કારણે દાડમના ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. દાડમની સીઝન હોવાથી જેના પર ફળો હતાં એ વૃક્ષ ભારે પવન અને કરાના વરસાદને કારણે ઊખડી જતાં ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે. 

વીજળીએ જીવ લીધો ૪ વાંદરાનો
નાંદેડના શિબદરામાં કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એ વખતે ગામમાં વાંદરાઓનું ટોળું આવ્યું હતું અને એ ટોળા પર વીજળી પડતાં ચાર વાંદરાનાં મોત થયાં હતાં.

વીજળીએ જીવ લીધો ૪ વાંદરાનો
નાંદેડના શિબદરામાં કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. એ વખતે ગામમાં વાંદરાઓનું ટોળું આવ્યું હતું અને એ ટોળા પર વીજળી પડતાં ચાર વાંદરાનાં મોત થયાં હતાં.

mumbai news mumbai monsoon news mumbai monsoon mumbai rains indian meteorological department