કોપર-દિવા વચ્ચે ટ્રેનની અડફેટે આવેલી ટીનેજર પ્રેગ્નન્ટ હતી

19 August, 2026 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોસ્ટમૉર્ટમમાં આ વાતનો ખુલાસો થયો એ પછી પોલીસે તેના પ્રેમીની ધરપકડ કરી

પ્રતીકાત્મક તસવીર

કોપર અને દિવા સ્ટેશન વચ્ચે લોકલ ટ્રેનની અડફેટે આવતાં બીજી ઑગસ્ટે મૃત્યુ પામેલી ૧૭ વર્ષની ટીનેજરના કેસમાં ડોમ્બિવલીની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ તાજેતરમાં તેના પ્રેમી રાજ પકડની ધરપકડ કરી હતી. શરૂઆતમાં આ ઘટનાને સામાન્ય અકસ્માત માનીને ઍક્સિડેન્ટલ મોતનો કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં ટીનેજર ૩ મહિનાની ગર્ભવતી હોવાનું જાહેર થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. આ ઘટના અકસ્માત નહીં પરંતુ આત્મહત્યા હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે કરેલી વધુ તપાસમાં ડોમ્બિવલીમાં રહેતા રાજે ટીનેજરને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરી હોવાનો ખુલાસો થયો હતો, જેના આધારે પોલીસે હવે ટેક્નિકલ માહિતીની મદદથી આગળની તપાસ શરૂ કરી છે. 

ડોમ્બિવલી GRPના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવતાં અમે ટીનેજર વિશે વધુ માહિતીઓ ભેગી કરવાની શરૂઆત કરી હતી. એક ખાનગી કંપનીમાં કામ કરતી ટીનેજરની ઓળખ ડિલિવરી-બૉય તરીકે કામ કરતા આરોપી સાથે ઇન્સ્ટાગ્રામ પર થઈ હતી. સમય જતાં તેમની આ મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી હતી. પોસ્ટમૉર્ટમના રિપોર્ટ બાદ પોલીસે ટીનેજરનો મોબાઇલ અને સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ ચકાસ્યાં હતાં, જેમાં જાણવા મળ્યું હતું કે તે આરોપી યુવકના સતત સંપર્કમાં હતી. પરિવારની મદદ અને સોશ્યલ પ્રોફાઇલના આધારે અમે આરોપી યુવકની સફળતાપૂર્વક માહિતી મેળવી હતી. હાલ આરોપી ડિલિવરી બૉયની અમે ધરપકડ કરી છે. આ કેસમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.’

mumbai news mumbai Crime News mumbai crime news suicide dombivli diva junction