✕

દિવાળીના ધસારામાં પ્રાઇવેટ બસોની લૂંટ

06 November, 2026 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભાડાંમાં બેથી ત્રણ ગણો તોતિંગ વધારો, સોશ્યલ મીડિયા પર મુસાફરોએ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સામે રોષ ઠાલવ્યો

પ્રતીકાત્મક તસવીર

દિવાળીના તહેવારો ટાણે પ્રાઇવેટ ટૂરિસ્ટ બસ ઑપરેટર્સ સામાન્ય દર કરતાં બેથી ૩ ગણાં તોતિંગ ભાડાં વસૂલી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. મુસાફરોના જણાવ્યા અનુસાર કેટલાક રૂટ્સ પર ટિકિટના ભાવ ૭૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે.

પ્રાઇવેટ બસો દ્વારા થઈ રહેલી આ ઉઘાડી લૂંટ સામે અને ભાડાં પર નિયંત્રણ રાખવામાં નિષ્ફળ રહેવા બદલ કેટલાક મુસાફરોએ સોશ્યલ મીડિયા પર મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈક અને તેમના વિભાગ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

‘X’ પર એક યુઝરે આક્ષેપ કરતાં પૂછ્યું હતું કે શું ટ્રાન્સપોર્ટ પ્રધાન ઊંઘી રહ્યા છે કે પછી ઊંઘવાનો ઢોંગ કરી રહ્યા છે? બુકિંગ ઍપ્સના સ્ક્રીનશૉટ્સ શૅર કરતાં આ યુઝરે પોસ્ટ કર્યું હતું કે ‘મુંબઈ અને પુણે જેવાં શહેરોમાં લોકો આખું વર્ષ સખત મહેનત કરે છે અને દિવાળીમાં પોતાના પરિવાર સાથે આનંદની થોડી પળો વિતાવવાની આશા રાખે છે. આવા સમયે ટિકિટના ભાવ ૭૦૦ રૂપિયાથી સીધા કૂદીને ૪૦૦૦ રૂપિયા કેમ થઈ શકે?’

અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ ભાડું વસૂલવામાં આવે તો મુસાફરો બસની વિગતો અને ટિકિટના ફોટોગ્રાફ્સ સાથે RTOની હેલ્પલાઇન ૧૮૦૦-૨૨-૦૧૧૦ પર ફરિયાદ નોંધાવી શકે છે.

પુણે RTOએ શરૂ કરી સ્પેશ્યલ ડ્રાઇવ

મુસાફરોની વધતી ફરિયાદો વચ્ચે પુણે રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO) દ્વારા વધુ પડતાં ભાડાં પર લગામ લગાવવા માટે પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટ બસો સામે ૧ નવેમ્બરથી સ્પેશ્યલ ઇન્સ્પેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. RTOના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે પ્રાઇવેટ બસો મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ની સંબંધિત કૅટેગરીની બસોનાં ભાડાં કરતાં દોઢ ગણા (૧.૫ ગણા)થી વધુ રકમ વસૂલી શકે નહીં. આ ઉપરાંત બસ ઑપરેટર્સે પોતાના વાહનની અંદર ભાડાંનું સત્તાવાર ચાર્ટ દર્શાવવું પણ ફરજિયાત છે.

mumbai diwali mumbai transport