29 June, 2026 08:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લૉરેન્સ બિશ્નોઈ
પ્રોડ્યુસર-ડિરેક્ટર રોહિત શેટ્ટીને ફરીથી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગ તરફથી ધમકી મળી છે અને ૨૦ કરોડ રૂપિયાની ખંડણીની માગણી કરવામાં આવી છે. પહેલી ફેબ્રુઆરીએ રોહિત શેટ્ટીના જુહુમાં આવેલા ઘરની બહાર ગોળીબારની ઘટના બની હતી, જ્યારે હવે ઑડિયો મેસેજ મોકલીને ૨૦ કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી છે. આ મામલે રોહિત શેટ્ટીએ પોલીસ-ફરિયાદ નોંધાવી છે અને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને ઍન્ટિ-એક્સ્ટૉર્શન વિંગ દ્વારા આ કેસમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ વખતે અપાયેલી ધમકીમાં આડકતરી રીતે ગોળીબાર કરીને ગભરાવવાની કે ડરાવવાની વાત નહીં, પરંતુ રોહિત શેટ્ટીને સીધો નિશાન બનાવવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું. ‘જે પૈસા માગવામાં આવ્યા છે એ ન અપાયા તો આ વખતે સીધો તું જ ટાર્ગેટ હોઈશ’ એવી ધમકી રોહિત શેટ્ટીને મોકલવામાં આવી હતી. ઑડિયો મેસેજમાં અપાયેલી ધમકીમાં સ્પષ્ટ કરાયું હતું કે આ વખતે તેની પ્રૉપર્ટીની બહાર ગોળીબાર નહીં કરાય, રોહિત શેટ્ટીને પર્સનલી ઉડાવી દેવામાં આવશે. ખંડણી ચૂકવવા માટે અલ્ટિમેટમ પણ અપાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ ધમકી લૉરેન્સ બિશ્નોઈ ગૅન્ગના મેમ્બર શુભમ લોણકરે આપી હોવાનું પોલીસનું માનવું છે. જોકે વધુ વિગતવાર માહિતી માટે એ માટે ધમકીભરી ઑડિયો-ક્લિપ ફૉરેન્સિક લૅબોરેટરીમાં ટેસ્ટ માટે આપી દેવાઈ છે. એનું રિઝલ્ટ આવ્યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે.