નૅશનલ પાર્કને બચાવવા માટે થાણેમાં વિરોધ-પ્રદર્શન

13 September, 2026 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૉરેસ્ટ લૅન્ડ કાયમી ધોરણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના નિયંત્રણ હેઠળ રાખવાની કરી માગણી

ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની જમીન એની પાસે જ રહેવી જોઈએ એવી માગણી કરી રહેલા પર્યાવરણવાદીઓ.

ફૉરેસ્ટે લૅન્ડના કથિત ટ્રાન્સફર વિશે પર્યાવરણવાદીઓ અને તેમના હિમાયતીઓએ શનિવારે થાણેમાં જાહેર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેઓ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા સંજય ગાંધી નૅશનલ પાર્ક અને એની આસપાસના જંગલ વિસ્તારને બાયોડાયવર્સિટી પાર્ક તરીકે દર્શાવવામાં આવ્યો હતો એનો વિરોધ કરી રહ્યા હતા. સેવ સંજય ગાંધી નૅશનલ પાર્ક અભિયાન હેઠળ હરિ ઓમ ટ્રેકર્સ સહિત વિવિધ જૂથો અને નાગરિકોએ એમાં ભાગ લીધો હતો. પ્રદર્શનકારીઓએ માગણી કરી હતી કે ફૉરેસ્ટ લૅન્ડ પર કોઈ પણ પ્રકારનું અતિક્રમણ, અનિયંત્રિત બાંધકામ અથવા કમર્શિયલ ઉપયોગની મંજૂરી ન આપવામાં આવે.

ટીકુજીની વાડીના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સવારે ૭.૩૦ વાગ્યે વિરોધ-પ્રદર્શન યોજાયું હતું. પ્રદર્શનકારીઓએ સૂત્રોચ્ચાર કરીને જંગલનું રક્ષણ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ વિરોધ-પ્રદર્શનના આયોજકો સ્વપ્નિલ મહિન્દ્રકર અને વિજય રાંજણેએ જણાવ્યું હતું કે વિરોધ-પ્રદર્શન પાછળ ફૉરેસ્ટ લૅન્ડ સંબંધિત TDR (ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ) મુદ્દો મુખ્ય ચિંતાનો વિષય હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે પચાસ વર્ષથી વધુ સમયથી ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના નિયંત્રણ હેઠળ રહેલી આ જમીનને TMC દ્વારા રિઝર્વ્ડ એવા બાયોડાયવર્સિટી પાર્ક તરીકે બતાવવામાં આવી હતી. તેમના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ જમીનના બદલામાં એક ખાનગી કંપનીને આશરે ૩૭૦૦ કરોડ રૂપિયાના TDR આપવામાં આવ્યા હતા. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ આ બાબતને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યો છે.

આંદોલન કરી રહેલા લોકોએ સ્પષ્ટતા કરી હતી કે જંગલની જમીન એ ફક્ત વહીવટી કે નાણાકીય બાબત નથી પરંતુ શહેરના પર્યાવરણીય ભવિષ્ય સાથે જોડાયેલી છે. તેમણે જંગલના કુદરતી રહેઠાણ, જૈવવિવિધતા અને વન્યજીવન સંરક્ષણને અકબંધ રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. થાણેના સામાન્ય રહેવાસીઓએ એ જમીન કાયમી ધોરણે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના નિયંત્રણ હેઠળ રહે એવી માગણી કરી હતી.

mumbai news mumbai thane national park sanjay gandhi national park thane municipal corporation maharashtra forest department