29 May, 2026 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દુર્ગાડી કિલ્લામાં ઈદના દિવસે હિન્દુઓના મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાતાં હિન્દુ સંગઠનો, BJP, શિવસેના અને શિવસેના (UBT) દ્વારા કરવામાં આવ્યું ઘંટાનાદ આંદોલન.
ગુરુવારે ઈદ નિમિત્તે કોઈ કોમી વિખવાદ ન થાય એ માટે પ્રશાસન દ્વારા કલ્યાણના દુર્ગાડી કિલ્લા પર આવેલા ઐતિહાસિક કિલ્લા પર હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી હિન્દુ સંગઠનો ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ આંદોલનમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની સાથે વિપક્ષમાં રહેલી શિવસેના (UBT) પણ સામેલ થઈ હતી.
‘ઘંટાનાદ આંદોલન’ કહેવાતા આ આંદોલનમાં ભાગ લેનારાઓએ ઘંટ વગાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં વિરોધ-પ્રદર્શન કરનારા લોકો ઉપસ્થિત રહેતાં કાયદો-વ્યવસ્થા બગડે એવી પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા હોવાથી સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસદળ ખડકી દેવાયું હતું.
ઈદ દરમ્યાન કોઈ વિવાદ ઊભો ન થાય એ માટે ગુરુવારે સવારે કિલ્લા પર જતા રસ્તા પર નમાજ પઢાય એ માટે ૩૦ મિનિટ માટે હિન્દુઓને મંદિરમાં જવા પર પોલીસ-સ્થાનિક પ્રશાસન દ્વારા મનાઈ ફરમાવવામાં આવી હતી. એને પગલે ભારતીય જનતા પાર્ટી (BJP), શિવસેના અને શિવસેના (UBT) ઉપરાંત અન્ય હિન્દુ સંગઠનો દ્વારા લાલ ચૌકી વિસ્તારમાં વિરોધ-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
પરિસ્થિતિ વણસે નહીં એ માટે અહીં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી હતી અને બૅરિકેડ્સ ગોઠવી દેવામાં આવ્યાં હતાં. આ પ્રદર્શન દરમ્યાન BJPના કૉર્પોરેટર મહેશ પાટીલની અટક પણ કરવામાં આવી હતી. મહેશ પાટીલે અહીં દુર્ગા સ્તોત્ર અને હનુમાન ચાલીસા શરૂ કરવાની ચીમકી આપતાં તેમની અટક કરવામાં આવી હતી.
દર વર્ષે ઈદના દિવસે મુકાય છે પ્રતિબંધ
ઐતિહાસિક દુર્ગાડી કિલ્લા પર મંદિર અને મસ્જિદ સામસામે આવેલાં છે જેને કારણે દાયકાઓથી અહીં વિવાદ થતો આવ્યો છે અને ખાસ કરીને ઈદના દિવસે અહીં વિવાદ વકરે છે. હિન્દુઓના મંદિર-પ્રવેશ પર મુકાતાં પ્રતિબંધના વિરોધમાં ૧૯૮૬માં રાજકારણી આનંદ દીઘેએ ‘ઘંટાનાદ આંદોલન’ શરૂ કર્યું હતું જે હજી પણ ચાલતું આવે છે.