મુંબઈના રિક્ષા-ટૅક્સીચાલકો કરશે બાઇક-ટૅક્સીનો વિરોધ

16 January, 2022 12:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુણેમાં રિક્ષાવાળાઓના સંગઠને પણ સ્ટિકર બનાવીને અજિત પવારને સંબોધન કરી વિરોધ વ્યક્ત કર્યો

પુણેના રિક્ષાચાલકોના સંગઠને બનાવેલું સ્ટિકર

શહેરમાં ટૅક્સી, રિક્ષા અને પ્રાઇવેટ કૅબની સાથે હવે અમુક અંશે બાઇક-ટૅક્સી પણ દેખાવા લાગી છે. આવી ટૅક્સીને લીધે કાળી-પીળી ટૅક્સી અને રિક્ષાના ધંધા સામે જોખમ ઊભું થઈ રહ્યું છે એટલે મુંબઈના ટૅક્સી-ઑટો યુનિયને એની સામે વિરોધ વ્યક્ત કરીને સરકારને આ બાઇક-ટૅક્સી પર પ્રતિબંધ નહીં મુકાય તો તીવ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. પુણેમાં તો બાઇક-ટૅક્સી સામે આંદોલનની શરૂઆત પણ થઈ ચૂકી છે. તેમણે પોસ્ટર-સ્ટિકરના માધ્યમથી અજિત પવાર પાસે કેટલીક માગણીઓ પણ કરી છે.
પુણેમાં રિક્ષાવાલા સંગઠને અજિત પવારને સંબોધતા સ્ટિકર દ્વારા શરૂ કરેલા અનોખા આંદોલનમાં લખ્યું છે કે ‘દાદા મને બચાવો! મા. અજિતદાદા પવાર, તમે વચન આપ્યું હતું ગેરકાયદે બાઇક-ટૅક્સી બંધ કરીને રિક્ષાચાલકો અને તેમના કુટુંબને બચાવવાનું. ગેરકાયદે બાઇક-ટૅક્સીચાલકો સરકારનું કરોડો રૂપિયાનું મહેસૂલ ડુબાવે છે, કાળાં નાણાં તૈયાર કરે છે, મહિલા પ્રવાસીની સુરક્ષા જોખમમાં મૂકે છે, ૧૨ લાખ રિક્ષાચાલકોના પેટ પર પાટું મારે છે, બેરોજગાર યુવાનોને ગેરકાયદે વ્યવસાયમાં લાવીને ગુના કરવામાં સામેલ કરે છે; પણ સરકારના ભ્રષ્ટ અધિકારી તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરતા... બઘતોય રિક્ષાવાલા મહારાષ્ટ્ર રાજ્ય.’
પુણેની સાથે હવે મુંબઈમાં પણ બાઇક-ટૅક્સી જોવા મળી રહી છે. એની સામે મુંબઈના રિક્ષાવાળાઓ પણ આંદોલન કરવાના મૂડમાં છે. ગઈ કાલે જ તેમની આ બાબતે એક બેઠક થઈ હતી. સ્વાભિમાન ટૅક્સી-ઑટો યુનિયનના અધ્યક્ષ કૃષ્ણકુમાર તિવારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં બે લાખ રિક્ષાચાલકો સામે ઓલા અને ઉબેર પ્રાઇવેટ કંપનીઓના પ્રવેશ બાદ ફરી બાઇક-ટૅક્સીના રૂપમાં જોખમ ઊભું થયું છે. અમે મુંબઈમાં આવી બાઇકને ચાલવા નહીં દઈએ. બે દિવસ પહેલાં જ સરકારને રજૂઆત કરવા બાબતે અમારી બેઠક મળી હતી. ટૂંક સમયમાં જ સરકાર જો બાઇક-ટૅક્સીને નહીં રોકે તો અમે જોરદાર આંદોલન કરીને વિરોધ-પ્રદર્શન કરીશું. એક તરફ ગૅસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ બાઇક-ટૅક્સીને સરકાર રોકતી નથી. આવા સંજોગોમાં અમારો રોજગાર છીનવાઈ જશે તો અમારે ગામભેગા થવું પડશે.’

mumbai mumbai news ajit pawar