21 November, 2025 10:52 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
યુવાનોની કાર તામ્હિણી ઘાટમાં ૫૦૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકી
પુણેથી પિકનિક મનાવવા નીકળેલા યુવાનોની કાર તામ્હિણી ઘાટમાં ૫૦૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકી, ૬ જણનાં મોત
પુણે-માણગાવ રોડ પર આવેલા તામ્હિણી ઘાટમાં અવારનવાર અકસ્માત થાય છે. પુણેના ૧૮થી ૩૫ વર્ષના ૬ મિત્રો પિકનિક મનાવવા કોકણ જઈ રહ્યા હતા અને મંગળવારે મોડી રાત બાદ થયેલા ઍક્સિડન્ટમાં તેમની મહિન્દ્ર થાર ચલાવી રહેલા યુવકે સ્ટિઅરિંગ વ્હીલ પરથી કન્ટ્રોલ ગુમાવતાં કાર ૫૦૦ ફુટ ઊંડી ખીણમાં ગબડી ગઈ હતી જેમાં પ્રવાસ કરી રહેલા ૬ મિત્રોનાં મોત થયાં હતાં. એવું જાણવા મળ્યું હતું કે એ કાર ૨૦ દિવસ પહેલાં જ ખરીદવામાં આવી હતી એટલે મિત્રોએ નવી ગાડીમાં પિકનિક પર કોકણ જવાનું આયોજન કર્યું હતું.
આ અકસ્માત સંદર્ભની માહિતી આપતાં રેસ્ક્યુ-ટીમના એક સભ્યએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મિત્રોનું ગ્રુપ સોમવારે કોકણના પ્રવાસે નીકળ્યું હતું અને મંગળવાર રાત પછી તેમના પરિવારજનોનો કોઈ સંપર્ક ન થતાં તેઓ ચિંતામાં મુકાયા હતા. એ પછી તેમણે પ્રવાસે ગયેલા મિત્રો મિસિંગ હોવાની પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. એ પછી પોલીસે તેમને બુધવારે સાંજે અકસ્માતની જાણ કરી હતી. એ લોકોનું છેલ્લું લોકેશન વિલે ભાગડ મહારાષ્ટ્ર ઇન્ડિસ્ટ્રયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MIDC)ના મોબાઇલ ટાવરમાં નોંધાયું હતું. એથી અમારી સહ્યાદ્રિ વન્યજીવન રક્ષણાર્થ સામાજિક સંસ્થા અને મહારાષ્ટ્ર માઉન્ટેનિયર્સ રેસ્ક્યુ કો-ઑર્ડિનેશન સેન્ટરની કોલાડ અને મુળશીની અન્ય એક રેસ્ક્યુ-ટીમ મળીને કુલ ૫૦ વૉલન્ટિયર ઘટનાસ્થળે સાંજે પહોંચી ગયા હતા. ડ્રોનની મદદથી કાર શોધવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલી કારનો એક ટુકડો અમને બુધવારે સાંજે મળ્યો હતો. જોકે એ પછી અંધારું થઈ જતાં અમારે ઑપરેશન પડતું મૂકવું પડ્યું હતું. ગઈ કાલે સવારે ૭ વાગ્યાથી ફરી અમે શોધખોળ શરૂ કરી હતી જેમાં અકસ્માતનો ભોગ બનેલા લોકોમાંના ૪ જણના મૃતદેહ મળી આવ્યા હતા. એ પછી બીજા બે જણના મૃતદેહ લગભગ ૫૦૦ ફુટ ઊંડી ખીણમાંથી મળ્યા હતા. નીચેથી એ મૃતદેહ ઉપર અમારે લાવવામાં ખાસ્સી જહેમત ઉઠાવવી પડી હતી. ગઈ કાલે સવારે ૭ વાગ્યે શરૂ કરવામાં આવેલું ઑપરેશન ગઈ કાલ સાંજ સુધી ચાલ્યું હતું. કારને બહાર કાઢવા માટે ક્રેન બોલાવમાં આવી હતી. આ અકસ્માતમાં ૬ વ્યક્તિનાં મોત થયાં હતાં.’