19 September, 2025 07:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કારની હાલત જોઈને જ અકસ્માતની ભયાવહતાનો અંદાજ લગાવી શકાય છે.
પુણે-બૅન્ગલોર હાઇવે પર ગુરુવારે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. એમાં લોનાવલા ફરીને પાછા ફરી રહેલા બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે બે વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા હતા. આ જીવલેણ અકસ્માત બાદ પોલીસ ટ્રક-ડ્રાઇવરની અટકાયત કરી છે.
પોલીસે આપેલી માહિતી મુજબ પુણેની સિમ્બાયોસિસ કૉલેજના બૅચલર ઑફ બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશન (BBA)ના ૪ વિદ્યાર્થીઓ લોનાવલા આઉટિંગ માટે ગયા હતા. લોનાવલાથી પાછા ફરતી વખતે ગુરુવારે વહેલી સવારે ૫.૪૫ વાગ્યે ઈદગાહ મેદાન નજીક તેમની કાર આગળ ચાલતી કન્ટેનર ટ્રકમાં ઘૂસી ગઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અંદર બેસેલા બે વિદ્યાર્થીઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. વડાલાના રહેવાસી કન્ટેનર ટ્રકના ડ્રાઇવરની પોલીસ અટકાયત કરી છે.