Pune Fire: ગૅસ સિલિન્ડરમાં ધડાકો! આખું ઘર સળગી ઊઠ્યું- બાપ-દીકરાએ ગુમાવ્યો જીવ

10 April, 2025 07:00 AM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

Pune Fire: ઘટનામાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ લાગી હતી અને આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું

પ્રતીકાત્મક તસવીર

Pune Fire: મહારાષ્ટ્રના પૂણેના વારજે વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાવહ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અહીં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે પિતા અને તેના પુત્રનું મોત થયું હતું. શહેરના ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ગેસ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તે જગ્યાએ આગ લાગી હતી તે નિવાસસ્થાનને ઘણું નુકસાન પહોંચ્યું હતું. 

પ્રાપ્ત અહેવાલો અનુસાર આ ઘટનામાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ લાગી હતી અને આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું. ઇમરજન્સી સેવાઓને તાત્કાલિક આ બાબતે જાણ કરવામાં આવી હતી અને તેઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ઘટનાસ્થળે આવીને બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ સમગ્ર મામલે (Pune Fire) વરિષ્ઠ અધિકારીઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, "જ્યારે અમે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા ત્યારે અમને ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણાયું હતું. તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કમનસીબે, હોસ્પિટલમાં પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા"

મૃતકોની ઓળખ મોહન ચવ્હાણ અને તેમના પુત્ર આતિશ ચવ્હાણ તરીકે થઈ છે. જ્યારે ઘરમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો ત્યારે બંને કથિત રીતે અંદર જ હતા. જેના કારણે તેમને આગની જ્વાળાઓની અસર થઈ હતી. બધી બાજુ આગ ફેલાઈ ગઈ હોવાથી તેઓને બહાર નીકળવાની કોઈ તક મળી નહોતી. સ્થાનિક રેસ્ટોરન્ટમાં કામ કરતા મોહન ચવ્હાણનો બીજો પુત્ર સદનસીબે ઘટના બની ત્યારે ઘરે હાજર ન હતો જેને કારણે તે બચી ગયો છે.

Pune Fire: જો કે આ ઘરમાં વિસ્ફોટ શા કારણે થયો હતો તે અંગેનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાની શકાયું નથી. સત્તાવાળાઓને શંકા છે કે સંભવિત ગેસ લીકને કારણે વિસ્ફોટ થયો હોઈ શકે છે. અગ્નિશામકો આગને નજીકના અન્ય ઘરોમાં ફેલાય તે પહેલાં તેને નિયંત્રણમાં લાવવામાં સફળ રહ્યા હતા, જેનાથી ગીચ વસ્તીવાળા આ રહેણાંક વિસ્તારમાં મોટી આપત્તિ ટળી હતી.

વારજે વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પતરાંના ઘરમાં સિલિન્ડર વિસ્ફોટ થયો હતો. ઘરના ટૂકડેટુકડા થઈ ગયા હતા. ઘર પૂર્ણ રીતે ખરાબ થઈ ગયું હતું. જો કે, સિલિન્ડર ગેસ ઉપરની રીંગ પણ સિલિન્ડરથી અલગ થઈને ઊડી ગઈ હતી. આ વિસ્ફોટમાં સિલિન્ડરના પાંચ- છ ટુકડા થઈ ગયા હતા. જેનાથી ઘરમાં રહેલા બધા વાસણો, અન્ય સામાન ઘરવખરી નાશ પામી હતી. 

Pune Fire: આખા ઘરમાં જાણે રાખની ઢગલી થઈ ગઈ હોય એવું દૃશ્ય સર્જાયું હતું. વિસ્ફોટમાં ગેસ સિલિન્ડર પણ સંપૂર્ણપણે ફાટી ગયો હતો પતરાંનું બનેલું ઘરનું છાપરું સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.

pune news pune fire incident mumbai news mumbai