✕

દિવાળીની મીઠાઈની શુદ્ધતા ચકાસવી છે? તુકારામ મુંઢેની જેમ કરો જાતતપાસ

03 November, 2026 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂના મર્ચન્ટ‍્સ ચેમ્બરે બનાવડાવેલા બુંદીના પોતે લાડુ તોડીને, મસળીને ચકાસી જોયા FDAના કમિશનરે; પછી આપી ક્લીન ચિટ

લાડુનું ચેકિંગ કરી રહેલા તુકારામ મુંઢે

પૂના મર્ચન્ટ‍્સ ચેમ્બર દ્વારા ૧૯૮૮થી દર દિવાળીએ સામાન્ય માણસ પણ દિવાળીની ઉજવણી કરી શકે એ માટે બુંદીના લાડુ અને ચેવડાનું મોટા પાયે ઉત્પાદન કરીને રાહતના દરે વેચાણ કરે છે. એમની એ પહેલને બહુ જ સારો પ્રતિસાદ મળે છે અને અનેક મધ્યમવર્ગીય પરિવારો એનો લાભ લે છે. જોકે આ વર્ષે એ લાડુ અને ચેવડાની ક્વૉલિટી સાથે કોઈ બાંધછોડ નથી કરાઈને એની ચકાસણી ખુદ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ કરી હતી. રવિવારથી એ વેચાણ ચાલુ કરાયું હતું. જોકે એ પહેલાંથી જ FDAના અધિકારીઓએ રૉ-મટીરિયલના નમૂના લઈને લૅબોરેટરીમાં ચેક કરાવ્યા હતા અને જાતે તપાસ કરી જે જગ્યાએ એનું ઉત્પાદન કરાતું હતું ત્યાં પણ ચકાસણી હાથ ધરી હતી. તુકારામ મુંઢેએ રવિવારે જ પુણેમાં તેમના સ્ટૉલની મુલાકાત લઈ જાતે લાડુ તપાસ્યો હતો અને હાથેથી જ એ તોડ્યો હતો અને ત્યાર બાદ એનું ટેક્સ્ચર અને ક્વૉલિટી ચકાસીને એને પાસ કર્યો હતો, ક્લીન ચિટ આપી હતી. 
ગયા વર્ષે લાડુ અને ચેવડો ૧૯૦ રૂપિયે પ્રતિ કિલો વેચવામાં આવ્યા હતા, જ્યારે આ વર્ષે રૉ-મટીરિયલની કોસ્ટમાં થયેલા વધારાના કારણે એમાં ૪૦ રૂપિયાનો વધારો કરાયો છે અને ૨૩૦ રૂપિયે કિલો વેચવામાં આવી રહ્યો છે. 

તુકારામ મુંઢેએ એ વખતે કહ્યું હતું કે ‘પૂના મર્ચન્ટ્સ ચેમ્બર દ્વારા આ જે અભિયાન ચલાવાય છે એ ખરેખર સારું અભિયાન છે. એનાથી અનેક ગરજુ લોકોને સારી ક્વૉલિટીનો, સેફ અને સ્ટાન્ડર્ડ એવો દિવાળીનો નાસ્તો, લાડુ અને ચેવડો સસ્તા ભાવમાં મળે છે. બે લાખ કિલો નાસ્તો તૈયાર કરાય છે. નો પ્રૉફિટ અને નો લૉસના ધોરણે પુણે અને અન્ય જિલ્લામાં પણ એ વેચવામાં આવે છે, એ બહુ સારી બાબત છે. આ વર્ષે તેઓ અમારી પાસે આવ્યા હતા અને માહિતી આપી હતી. અમે તેમને કેટલાંક સૂચન કર્યાં હતાં જેનું તેમણે પાલન કર્યું. તેમની બધાની મેડિકલ ટેસ્ટ કરવામાં આવી. ૨૦૦૦ જેટલા ફૂડ-હૅન્ડલર્સને ટ્રેઇનિંગ આપવામાં આવી. એટલું જ નહીં, પહેલી વાર તેમણે ટેક્નિકલ સુપરવાઇઝરની પણ નિમણૂક કરી હતી. દરેક ૨૫-૩૦ ફૂડ-હૅન્ડલર પર એક સુપરવાઇઝર રાખ્યો હતો અને તેમની દેખરેખ હેઠળ લાડુ અને ચેવડાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. વળી તેમને નાસ્તામાં કલરનું જે પ્રમાણ છે એ જ વાપરવા કહ્યું હતું, એ સિવાય કોઈ પણ વધારાના અથવા આર્ટિફિશ્યલ કલર વાપરવાની ના પાડી હતી. એનું પણ તેમણે પાલન કર્યું છે. મીઠાઈમાં જે નિર્ધારિત લિમિટ છે એ પ્રમાણે જ રંગ વાપરવામાં આવ્યો છે. અમે તેમને કહ્યું છે કે બની શકે તો ફક્ત નૅચરલ કલર જ વાપરો.’  

mumbai news mumbai pune news pune food and drug administration tukaram mundhe diwali food news food and drink