23 June, 2026 02:36 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
દગડુશેઠ ગણપતિ
આ વર્ષે પુણેના પ્રખ્યાત દગડુશેઠ ગણપતિ ૧૩૪મો ગણેશોત્સવ ઊજવશે. દર વર્ષની જેમ આ વર્ષના ડેકોરેશનની થીમ શું હશે એની રાહ જોવાઈ રહી હતી. હવે શ્રીમંત દગડુશેઠ હલવાઈ સાર્વજનિક ગણપતિ ટ્રસ્ટ દ્વારા આ વર્ષની થીમની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે દગડુશેઠ ગણપતિ વૃંદાવનના પ્રેમ મંદિરમાં બિરાજશે.
પ્રેમ મંદિરની પ્રતિકૃતિ ૧૨૦ ફુટ લંબાઈ, ૯૦ ફુટ પહોળાઈ અને લગભગ ૧૦૦ ફુટ ઊંચાઈ ધરાવતી હશે. વૃંદાવનના પ્રખ્યાત સફેદ આરસપહાણના મંદિરની જેમ કોતરણીવાળા સ્તંભો, ગુંબજ અને એક વિશાળ ગર્ભગૃહ ઊભું કરવામાં આવશે જેમાં ભક્તોને દૂરથી પણ બાપ્પાનાં દર્શન થઈ શકશે. સાથે જ શ્રીકૃષ્ણની રાસલીલા, ગોવર્ધનલીલા અને ઝૂલા રાધા અને કૃષ્ણની મોટી મૂર્તિથી મંડપ શણગારવામાં આવશે.