11 April, 2025 06:56 AM IST | Baramati | Gujarati Mid-day Correspondent
સુપ્રિયા સુળે
બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળે ગઈ કાલે પોતાના મતદારક્ષેત્રમાં દોઢ કિલોમીટરનો રોડ બનાવવાની માગણી સાથે ભૂખહડતાળ પર બેઠાં હતાં. જોકે ૭ કલાક બાદ સરકારી અધિકારીઓ પાસેથી એને બનાવવાનું લેખિત આશ્વાસન મળતાં તેમણે જૂસ પીને પારણાં કર્યાં હતાં.
સુપ્રિયા સુળે શ્રી ક્ષેત્ર બનેશ્વર ગામના અમુક લોકો સાથે પુણેમાં ક્લેકટરની કચેરીની બહાર ભૂખહડતાળ પર બેઠાં હતાં. ભોર તાલુકામાં નસરાપુરથી બનેશ્વર મંદિર સુધીના દોઢ કિલોમીટરના રોડની હાલત અત્યંત દયાજનક હોવા છતાં એના સમારકામ માટે ઍડ્મિનિસ્ટ્રેશન દુર્લક્ષ કરતું હોવાથી તેમણે આ પગલું ભરવું પડ્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘અમે નવો રોડ બનાવવાની માગણી નથી કરી રહ્યા. અમારી માગણી અત્યારે જે રોડ છે એમાં ખાડા પડી ગયા હોવાથી એનું સમારકામ કરવાની છે. આ પટ્ટામાં કૉન્ક્રીટાઇઝેશન માટે વારંવાર ફૉલો-અપ કરવા છતાં કોઈ ઍક્શન લેવામાં નથી આવી. આ જ કારણસર કંટાળીને અમારે વિરોધ-પ્રદર્શન કરવું પડ્યું છે.’
ગઈ કાલે સાંજે પિંપરી ગયેલા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને આ બાબતે પૂછવામાં આવતાં તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જોકે ત્યાર બાદ તેમણે કહ્યું હતું કે ૬૦૦ મીટરના રોડને સંસદસભ્યના ફન્ડમાંથી રિપેર કરાવી શકાય છે. સુપ્રિયા સુળેના હિસાબે દોઢ કિલોમીટરનો રોડ છે, પણ અજિત પવારનું કહેવું છે કે ખરાબ રોડ ૬૦૦ મીટરનો જ છે.