14 April, 2025 07:18 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણે જિલ્લાના પિંપરી-ચિંચવડમાં આવેલા મોર્શી વિસ્તારમાં ગઈ કાલે સવારના ચોંકાવનારી ઘટના બની હતી. ૨૫ વર્ષના તુષાર ઢગે અને ૩૦ વર્ષના સિકંદર શેખ નામના મિત્રોએ એક ઝાડ પર એકસાથે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. મિત્રો મૂળ અહિલ્યાનગરના જામખેડ તાલુકાના હુંડા પિંપળગાવના વતની હતા અને તેઓ એક દિવસ પહેલાં જ પુણે આવ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે તેમણે કયા કારણસર આ પગલું ભર્યું હતું એ જાણી નથી શકાયું એટલે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
MIDC ભોસરી પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ‘મોશીમાં નિર્જન વિસ્તારમાં આવેલા એક ઝાડ પર બે યુવકના મૃતદેહ એકસાથે લટકતા હોવાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઝાડ પરથી યુવકોના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યા હતા. યુવકોના પૅન્ટના ખિસ્સામાંથી કેટલાક ડૉક્યુમેન્ટ્સ હાથ લાગ્યા હતા જેના પરથી તેમની ઓળખ થઈ હતી. જોકે તેમની પાસેથી કોઈ સુસાઇડ-નોટ નથી મળી. મૃતદેહને બાદમાં પોસ્ટમૉર્ટમ કરવા માટે હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સવારના સમયે જ યુવકોએ ગળેફાંસો ખાધો હોવાની શક્યતા છે.’