12 May, 2025 06:59 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોરોના મહામારી બાદ આપણે મોટા ભાગે ડિજિટલ પેમેન્ટ કરવા માંડ્યા છીએ. જોકે ક્યારેક આવી રીતે પેમેન્ટ કરવામાં મુશ્કેલી થાય છે. પુણેની એક મહિલાએ રિક્ષાનું ભાડું ૫૦ રૂપિયા ચૂકવવા માટે રિક્ષાવાળાના મોબાઇલ નંબર પર પેમેન્ટ કર્યું હતું. જોકે મહિલાએ ભૂલથી ૫૦ રૂપિયાને બદલે ૫૦,૦૦૦ રૂપિયા ગૂગલપે (GPay) કર્યા હોવાનું ધ્યાનમાં આવતાં તેણે રૂપિયા પાછા મેળવવા માટે રિક્ષાવાળાને ફોન કર્યા, પણ તેણે તો અચાનક ૫૦,૦૦૦ રૂપિયાની લૉટરી લાગી ગઈ હતી એટલે મહિલાનો ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું. મહિલાએ રિક્ષાવાળો ફોન કરશે કે ૫૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરશે એની એક દિવસ રાહ જોઈ હતી. જોકે રિક્ષાવાળા તરફથી કોઈ રિસ્પૉન્સ ન મળતાં મહિલાએ પુણે શહેરના ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં રિક્ષાવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રિક્ષાવાળાનો પત્તો લગાવીને
પોલીસ-સ્ટેશનમાં બોલાવ્યો હતો અને તેની પાસેથી ભૂલથી ૫૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરનારી મહિલાને રૂપિયા પાછા અપાવ્યા હતા. રૂપિયા મળી જતાં મહિલાએ પોલીસનો આભાર માન્યો હતો.