સગાઈ કર્યા બાદ લગ્ન કરવા ન માગતી યુવતીએ સુપારી આપીને મંગેતરના હાથપગ તોડાવી નાખ્યા

02 April, 2025 07:00 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેમાં સગાઈ કર્યા બાદ મંગેતર સાથે લગ્ન કરવા ન માગતી યુવતીએ દોઢ લાખ રૂપિયાની સુપારી આપીને તેના હાથપગ તોડાવી નાખ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. પોલીસે સુપારી લઈને મારપીટ કરવાના આરોપસર પાંચ આરોપીની ધરપકડ કરી છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

પુણેમાં સગાઈ કર્યા બાદ મંગેતર સાથે લગ્ન કરવા ન માગતી યુવતીએ દોઢ લાખ રૂપિયાની સુપારી આપીને તેના હાથપગ તોડાવી નાખ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. પોલીસે સુપારી લઈને મારપીટ કરવાના આરોપસર પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે સુપારી આપનારી યુવતી પલાયન થઈ ગઈ છે.

પુણેના યવત પોલીસ-સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ અહિલ્યાનગર જિલ્લાના શ્રીગોંદા તાલુકામાં આવેલા એક ગામમાં રહેતી મયૂરી સુનીલ દાંગડેની સગાઈ કર્જત તાલુકાના મહા જળગાવ ગામમાં રહેતા સાગર જયસિંહ કદમ સાથે થઈ હતી. જોકે સગાઈ બાદ મયૂરી હોટેલમાં કુકનું કામ કરતા સાગર સાથે લગ્ન નહોતી કરવા માગતી એટલે તેણે સાગરને પોતાના રસ્તામાંથી હટાવવા માટે ગુંડાઓને દોઢ લાખ રૂપિયાની સુપારી આપી હતી. ગુંડાઓએ ૨૭ ફેબ્રુઆરીની બપોરે સાગર કદમ એક હોટેલ પાસે હતો ત્યારે તેના પર લાકડી અને હૉકીથી હુમલો કરીને હાથ-પગ તોડી નાખ્યા હતા. હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા સાગર કદમે બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરીને આદિત્ય શંકર દાંગડે નામના આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. આરોપીએ કહ્યું હતું કે મયૂરી દાંગડેએ તેને સાગર કદમના હાથ પગ તોડી નાખવા માટે દોઢ લાખ રૂપિયાની સુપારી આપી હતી, આથી પોતે અને પોતાના ચાર સાથીઓએ સાગર કદમ પર હુમલો કર્યો હતો. આ સાંભળીને પોલીસ ચોંકી ઊઠી હતી. આ મામલામાં પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે સુપારી આપનારી મયૂરી પલાયન થઈ ગઈ હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

pune pune news mumbai crime news mumbai news news