વરલીના વૈભવી સમુદ્ર મહલમાં સ્ક્વેર ફીટદીઠ ૧.૨૭ લાખ રૂપિયે વેચાયો ફ્લૅટ

26 October, 2021 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોતીલાલ ઓસવાલ ફાઇનૅન્શિયલ સર્વિસિસના સહસ્થાપક રામદેવ અગ્રવાલે ૩,૬૩૮ ચોરસ ફુટનો ડુપ્લેક્સ ફ્લૅટ ૪૬.૨૯ કરોડમાં ખરીદ્યો

સમુદ્ર મહલ

કૉર્પોરેટ ક્ષેત્રના માંધાતા અને ટોચના રાજકારણીઓ જ્યાં રહે છે એ વરલી ખાતેના સમુદ્ર મહલમાં મોટા રોકાણકાર અને મોતીલાલ ઓસવાલ ફાઇનૅન્શિયલ સર્વિસિસના સહસ્થાપક અને જૉઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટર રામદેવ અગ્રવાલે ૧૭ અને ૧૮ માળનો એક ડુપ્લેક્સ ૪૬.૨૯ કરોડ રૂપિયામાં ખરીદ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ રામદેવ અગ્રવાલ અને તેમના પરિવારે ૩,૬૩૮ ચોરસ ફુટનો ડુપ્લેક્સ ખરીદવા માટે ૨.૩૯ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી ભરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે રામદેવ અગ્રવાલ તરફથી આ બાબતે કંઈ કહેવામાં નથી આવ્યું. દસ્તાવેજ મુજબ વરલી ખાતેના સમુદ્ર મહલના ૨૭ માળના બે ટાવરમાંથી એકમાં ૧૭ અને ૧૮ માળે આવેલો ડુપ્લેક્સ રામદેવ અગ્રવાલ, સુનીતા અગ્રવાલ અને વૈભવ અગ્રવાલના નામે ૪૬.૨૯ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. વેચાણકર્તા સુરીન નરસી નિકમલ મુખીની માલિકીની ૩,૬૩૮ ચોરસ ફુટની આ મિલકત ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ ટ્રાન્સફર કરવામાં આવી હતી. સ્થાનિક બ્રોકરના જણાવ્યા મુજબ લક્ઝરી અપાર્ટમેન્ટનો સોદા ૧.૨૭ લાખ રૂપિયા પ્રતિ ચોરસફુટમાં રજિસ્ટર કરાયો છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર ૨૦૨૦માં મોતીલાલ ઓસવાલ પરિવાર ટ્રસ્ટે મુંબઈમાં ૧૩મા અને ૧૭મા માળે આવેલા ૬,૮૦૦ ચોરસ ફુટના બે ડુપ્લેક્સ અપાર્ટમેન્ટ ૧.૪૮ લાખ રૂપિયા ચોરસફુટના ભાવે ૧૦૧ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.

સમુદ્ર મહલ કૉમ્પ્લેક્સમાં ૨૭ માળના બે ટાવર છે, જેમાં ૧૦૦ ૩ બીચએકે, ડુપ્લેક્સ યુનિટ્સ, અપાર્ટમેન્ટ અને બે બંગલા છે. આ કૉમ્પ્લેક્સની ખાસિયત એ છે કે ત્યાંથી સમુદ્ર ૩૬૦ ડિગ્રીથી જોઈ શકાય છે. આ મહેલ એક સમયે ગ્વાલિયરના શાહી પરિવારની માલિકીનો હતો. અહીં અત્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાનો ‘એ’ વિંગમાં એક ડુપ્લેક્સ અને એક ટેરસ છે. અહીં યસ બૅન્કના સ્થાપક રાણા કપૂરે ફ્લૅટ ભાડેથી રાખ્યો હતો અને નીરવ મોદી પણ એક સમયે અહીં રહેતા હોવાનું કહેવાય છે.

mumbai mumbai news