નાઈકી અને અડીડાસનાં લેબલ મારીને કપડાં વેચતી શૉપ પર છાપો

18 April, 2025 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોલીસે મીરા રોડની દુકાનમાંથી લાખો રૂપિયાનો માલ જપ્ત કરીને ગુજરાતી વેપારીઓને કસ્ટડીમાં લીધા

કિંગ સ્પોર્ટ્‍સ દુકાનમાંથી જપ્ત કરેલો માલ.

મીરા રોડ-ઈસ્ટમાં સ્ટેશન નજીક આવેલી કિંગ સ્પોર્ટ્‍સ નામની દુકાનમાં બુધવારે બપોરે નયાનગર પોલીસે દરોડો પાડીને સાદાં કપડાં પર નાઈકી અને અડીડાસનાં લેબલ ચોંટાડીને ગ્રાહકોને માલ પધરાવનાર અનિલ સોલંકી અને હસમુખ પરમાર સામે ફરિયાદ નોંધી હતી તથા આશરે ૬ લાખ રૂપિયાનાં ૧૮૦૦થી વધારે ટ્રૅક-પૅન્ટ અને ટી-શર્ટ જપ્ત કર્યાં હતાં. આ ટી-શર્ટ અને ટ્રેક-પૅન્ટ ક્યાં તૈયાર કરવામાં આવ્યાં હતાં, હજી સુધી કેટલા ગ્રાહકોને આવો માલ પધરાવવામાં આવ્યો છે એની તપાસ પોલીસ કરી રહી છે. એ ઉપરાંત જપ્ત કરેલા માલમાંથી સૅમ્પલ લઈને એ બન્ને કંપનીની હેડ ઑફિસમાં મોકલી આપવામાં આવ્યાં છે.

ગ્રાહકોને ઓછા ભાવે બ્રૅન્ડેડ કપડાં આપવાના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી એમ જણાવતાં નયાનગરના પોલીસ-ઇન્સ્પેક્ટર પરાગ ભાટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મીરા રોડ સ્ટેશન નજીક આવેલી એક દુકાનમાં બ્રૅન્ડેડ કપડાં વેચવાના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી હોવાની માહિતી અમને મળી હતી. એના આધારે અમે અડીડાસ અને નાઈકી કંપનીના સિનિયર અધિકારીઓ સાથે દુકાનમાં છાપો માર્યો હતો. એ સમયે ટી-શર્ટ અને ટ્રૅક-પૅન્ટ પર અડીડાસ અને નાઇકીનાં સ્ટિકર જોવા મળ્યાં હતાં, પણ ઝીણવટભરી તપાસ કરતાં એ બોગસ હોવાનું જણાયું હતું. અમે તાત્કાલિક તમામ માલ જપ્ત કર્યો હતો. જપ્ત કરેલા માલમાંથી અમુક કપડાં સૅમ્પલિંગ માટે દિલ્હી મોકલવામાં આવ્યાં છે. એનો રિપોર્ટ આવ્યા બાદ આગળ વધુ તપાસ કરવામાં આવશે. એ ઉપરાંત દુકાનનો માલિક આ માલ ક્યાંથી લાવતો હતો એની પણ તપાસ કરવામાં આવશે.’

mumbai news mumbai mira road bhayander Crime News mumbai crime news