લોકલની ટિકિટ ક્યારે મળશે એને લઈને રેલવેનું હજી મૌન

27 October, 2021 01:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારે હવે નૉન-એસેન્શિયલ સર્વિસ સાથે જોડાયેલા ફુલ્લી વૅક્સિનેટેડ લોકોને પણ લોકલમાં પ્રવાસ કરવાની સત્તાવાર પરવાનગી આપી. મુસાફરો હવેથી ત્રણ મહિનાનો પાસ પણ કઢાવી શકશે

ફાઈલ તસવીર

વેસ્ટર્ન અને સેટ્રલ રેલવેની લોકલ ટ્રેનમાં કોવિડ-૧૯ વૅક્સિનના બન્ને ડોઝ લીધા બાદ ૧૪ દિવસ પૂરા થયા હોય એવા લોકોને પ્રવાસ કરવાની મંજૂરી આપતો ઑર્ડર ગઈ કાલે રાજ્ય સરકારે બહાર પાડ્યો હતો. અત્યાર સુધી સરકારી કર્મચારીઓ અને એસેન્શિયલ સર્વિસ સાથે સંકળાયેલા હોય એવા લોકોને વૅક્સિનના બન્ને ડોઝ લીધા બાદ મહિનાનો પાસ આપવામાં આવતો હોવાના નિર્દેશ હતા. આમ છતાં રેલવે તંત્ર દ્વારા વૅક્સિનના બન્ને ડોઝ લીધા હોય એવા સામાન્ય લોકોને પણ મન્થ્લી પાસ આપવામાં આવી રહ્યો છે. હવે સરકારે આ બાબતે સત્તાવાર ઑર્ડર આપ્યો છે. સરકારના આ નવા ઑર્ડરમાં ડેઇલી ટિકિટ કે ત્રણ મહિનાના પાસ અપાશે કે નહીં એ વિશે કંઈ કહેવામાં નથી આવ્યું.

વૅક્સિનના બન્ને ડોઝ લઈને ૧૪ દિવસ થયા હોય એવા સરકાર, એસેન્શિયલ સહિત જનરલ પબ્લિકને પણ રેલવે દ્વારા વેરિફિકેશન કર્યા બાદ મન્થ્લી પાસ અપાઈ રહ્યા હોવાથી વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો પ્રવાસ કરી રહ્યા હોવાથી ગિરદી ટાળવા માટે ડેઇલી ટિકિટ ન આપવાનો નિર્ણય રેલવેએ લીધો છે. સોમવારે જ વેસ્ટર્ન અને સેન્ટ્રલ રેલવેએ આવતી કાલથી પૂરી ક્ષમતાથી સર્વિસ દોડાવવાની જાહેરાત કરી હતી. પ્રવાસીઓની વધેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવેએ આ નિર્ણય લીધો હતો.

અત્યારે સેન્ટ્રલ રેલવે અને વેસ્ટર્ન રેલવે દરરોજ અનુક્રમે ૧,૭૦૨ અને ૧,૩૦૪ લોકલ સર્વિસ ચલાવે છે, જે પૂરી ક્ષમતાની ૯૫.૭૦ ટકા થાય છે. ઉલ્લેખનીય છે કે જુનિયર કૉલેજ પણ ગયા અઠવાડિયાથી શરૂ થવાથી ૧૮ વર્ષથી નીચેની ઉંમરના સ્ટુડન્ટ્સને પણ કૉલેજના આઇડેન્ટિટી કાર્ડના આધારે મન્થ્લી પાસ આપવામાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોવિડ પૅન્ડેમિક શરૂ થયા બાદ સોમવારે પહેલી વખત એક હજારથી ઓછા એટલે કે નવા ૮૮૯ કેસ નોંધાયા હોવાથી કોરોનાનું જોખમ ઓછું થવાની સાથે દિવાળીનો તહેવાર નજીક છે એટલે વધુ ને વધુ લોકો લોકલ ટ્રેનની મુસાફરી કરી શકે એ માટે રાજ્ય સરકારે સત્તાવાર રીતે સરકારી કર્મચારીઓ અને એસેન્શિયલ સર્વિસ સાથે જોડાયેલા લોકોની સામે સામાન્ય લોકોને પણ પરવાનગી આપી છે.

mumbai mumbai news mumbai local train