મુંબઈમાં વડાપાંઉ અને પુણેની ભાખરવડી દિવસમાં બે વખત જઈને ખાઈ શકાશે

06 September, 2026 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ-પુણે વચ્ચે બુલેટ ટ્રેનનો કૉરિડોર તૈયાર થઈ રહ્યો છે એવી જાહેરાત કરીને રેલવે-મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહ્યું...

અશ્વિની વૈષ્ણવ

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે મુંબઈ-પુણે વચ્ચે બુલેટ ટ્રેન કૉરિડોર તૈયાર થઈ રહ્યો હોવાની જાહેરાત કરી છે. આ પ્રસ્તાવિત હાઈ-સ્પીડ રેલ-સર્વિસને કારણે બન્ને શહેર વચ્ચેનું અંતર માત્ર ૪૮ મિનિટમાં કાપી શકાશે. કેન્દ્રીય બજેટ ૨૦૨૬-’૨૭માં જાહેર કરાયેલા દેશના ૭ પ્રસ્તાવિત હાઈ-સ્પીડ કૉરિડોરમાં મુંબઈ-પુણેને એક મહત્ત્વનો કૉરિડોર દર્શાવાયો હતો. અશ્વિની વૈષ્ણવે હળવા અંદાજમાં આ જાહેરાત કરતાં કહ્યું હતું કે હવે એવો કૉરિડોર તૈયાર થઈ રહ્યો છે કે મુંબઈમાં વડાપાંઉ અને પુણેની ભાકરવડી દિવસમાં બે વખત ત્યાં જઈને ખાઈ શકાશે.
મુંબઈ-પુણે રાજ્યનો સૌથી વધુ અવરજવરનો રૂટ છે. નોકરી, ધંધો, એજ્યુકેશન અને અન્ય કામકાજને લઈને બન્ને શહેરોના લોકો રોજ મોટી સંખ્યામાં આવ-જા કરે છે. રેલવે અથવા હાઇવેથી જવા-આવવામાં સમય લાગે છે અને ટ્રાફિક જૅમ અને અન્ય હાડમારી ઉઠાવવી પડે છે. એથી જો બન્ને શહેર વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવે તો રોજેરોજ પ્રવાસ કરનારાઓ માટે એ પ્રવાસ ઝડપી અને આરામદાયી બનશે. આ જાહેરાત બાદ મુંબઈગરાઓ અને પુણેકરોનું ધ્યાન એના પર લાગ્યું છે કે આ બુલેટ ટ્રેનનું સ્ટેશન ક્યાં હશે? ભાડું કેટલું હશે? ઍક્ચુઅલમાં ટ્રેન ક્યારે શરૂ થશે? કેન્દ્ર સરકારના ૨૦૨૬-’૨૭ના બજેટમાં મુંબઈ-પુણેની જેમ પુણે-હૈદરાબાદ વચ્ચે પણ બુલેટ ટ્રેન દોડાવવાનો પ્રસ્તાવ હતો જેનો ટ્રાવેલિંગ-ટાઇમ બે કલાક ૮ મિનિટ કરવાનો ટાર્ગેટ છે. 

mumbai news mumbai pune news pune bullet train indian railways ashwini vaishnaw