ચિંતા ટળી: મુંબઈ, થાણે, પાલઘરમાં ૧૩ જુલાઈ સુધી વરસાદ હળવો રહેશે

10 July, 2026 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં ચોમાસામાં કુલ ૧૭૧૧ ઝાડ ધરાશાયી થયાં, ગયા વર્ષ કરતાં આ વર્ષે થયો વધારો

પ્રતીકાત્મક તસવીર

આખું અઠવાડિયું ભારે ધમાચકડી મચાવ્યા બાદ હવે વરસાદે થોડો બ્રેક લીધો છે. બે દિવસથી સામાન્ય ઝાપટાં નોંધાયાં હતાં અને વરસાદ બંધ થતાં જ તાપમાનમાં પણ વધારો અનુભવાયો હતો.

આ વર્ષે વરસાદને કારણે મુંબઈમાં ઝાડ પડવાની ઘટનામાં અત્યાર સુધીમાં ૩ જણનાં મૃત્યુ થયાં છે ત્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બહાર પાડેલા આંકડાઓમાં આ વર્ષે ઝાડ પડવાની ઘટનાઓમાં વધારો થયો હોવાનું જણાયું છે. પહેલી જુલાઈથી અત્યાર સુધીમાં BMCને શહેરમાં ઝાડ પડવાની ૧૭૧૧ ફરિયાદો મળી હોવાનું BMCના અધિકારીએ જણાવ્યું હતું. ૨૦૨૫માં પહેલી જુલાઈથી ૯ જુલાઈ સુધીમાં મુંબઈમાં ઝાડ પડવાના ૮૫૫ બનાવ બન્યા હતા, જ્યારે ૨૦૨૪ અને ૨૦૨૩માં આ સમયગાળા દરમ્યાન ઝાડ પડવાનો આંકડો અનુક્રમે ૬૫૩ અને ૬૮૭ હતો. 

BMCના મૉન્સૂન રિપોર્ટ મુજબ પશ્ચિમનાં પરાંમાં પહેલી જુલાઈથી ૯ જુલાઈએ સવારે ૮ વાગ્યા સુધીમાં પશ્ચિમનાં ઉપનગરોમાં ૬૯૩, સાઉથ મુંબઈમાં ૫૧૦ અને પૂર્વનાં ઉપનગરોમાં ૫૦૮ ઝાડ તૂટી પડ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસથી જામેલો વરસાદ ગુરુવારે મુંબઈમાં પણ ઢીલો પડ્યો હતો અને અમુક જગ્યાએ છૂટાછવાયા ઝરમર વરસાદ તથા વાદળછાયા વાતાવરણ સિવાય ક્યાંય ભારે વરસાદ જોવા મળ્યો નહોતો.  

પાંચમી જુલાઈએ પડ્યાં સૌથી વધુ ઝાડ
આ વર્ષે પાંચમી જુલાઈએ મુંબઈમાં એક જ દિવસમાં સૌથી વધુ ઝાડ પડ્યાં હતાં. આ દિવસે ૫૨૩ ઝાડ જમીનદોસ્ત થયાં હતાં. ત્યાર બાદ છઠ્ઠી જુલાઈએ ૪૨૮ ઝાડ તૂટ્યાં હોવાનું BMCએ બહાર પાડેલા આંકડાઓ પરથી જણાયું છે. આ બન્ને દિવસોએ મુંબઈમાં ભારે વરસાદ પડ્યો હતો અને પવનની ઝડપ પણ ૯૦ કિલોમીટર પ્રતિ કલાક રહી હતી. 

મુંબઈ અને નવી મુંબઈનાં જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું
તોફાની વરસાદને કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી, પરંતુ એને કારણે મુંબઈગરાની પાણીપુરવઠાની ચિંતા ઓછી થઈ છે ખરી. કૅચમેન્ટ એરિયામાં પડેલા માતબર વરસાદને કારણે મુંબઈગરાઓને પાણીપુરવઠો પૂરો પાડતાં સાતેય જળાશયોમાં પાણીપુરવઠો વધીને ૪૮.૫૯ ટકા થઈ ગયો છે, જ્યારે નવી મુંબઈના મોરબે ડૅમમાં પાણીપુરવઠો વધીને ૫૭.૮૨ ટકા થઈ ગયો છે. મોરબે ડૅમ નવી મુંબઈવાસીઓને પાણીપુરવઠો પૂરો પાડતો મુખ્ય ડૅમ છે અને હવે એમાં ૧૬૬ દિવસ સુધી ચાલે એટલો પાણીપુરવઠો છે.

મુંબઈ-પુણે રેલવે-સર્વિસ ૧૭ જુલાઈ સુધી બંધ
વરસાદનું જોર ગુરુવારે ઘટ્યું હતું, પણ છેલ્લા થોડા દિવસથી થયેલા ભારે વરસાદ દરમ્યાન ભેખડો ધસી પડવાને કારણે, ટ્રૅક ધોવાઈ જવાને કારણે તથા અન્ય કારણોસર રેલવે-સર્વિસને થયેલી અસર હજી પણ થોડા દિવસ જોવા મળશે. લોનાવલા અને કર્જત વચ્ચે ભેખડો ધસી પડવાથી થયેલા નુકસાનને કારણે સેન્ટ્રલ રેલવેએ ૧૭ જુલાઈ સુધી ડેક્કન ક્વીન, ડેક્કન એક્સપ્રેસ, મુંબઈ-પુણે ઇન્ટરસિટી, શિર્ડી-દાદર એક્સપ્રેસ જેવી અનેક ટ્રેનો કૅન્સલ કરવાની જાહેરાત કરી હતી.

63 - વરસાદને કારણે રાજ્યમાં ૧ જૂનથી અત્યાર સુધીમાં આટલાં મૃત્યુ થયાં છે

મુંબઈ-ગુજરાતની ટ્રેનોનું ટાઇમટેબલ હજી નિયમિત નથી
વેસ્ટર્ન રેલવેમાં ગુરુવારે બે એક્સપ્રેસ ટ્રેનો કૅન્સલ કરવામાં આવી હતી તથા અમુક ટ્રેનો રીશિડ્યુલ કરી હતી. આ ઉપરાંત ૧૪ અને ૧૭ તારીખે પણ અમુક એક્સપ્રેસ ટ્રેનો કૅન્સલ કરવાની જાહેરાત વેસ્ટર્ન રેલવેએ કરી હતી. જોકે વસઈ-વિરાર જતી ટ્રેન-સર્વિસ ગુરુવારથી સામાન્ય રીતે ચાલતી હોવાથી મુંબઈગરાઓએ રાહતનો શ્વાસ લીધો હતો. 

mumbai news mumbai monsoon news mumbai monsoon mumbai rains indian meteorological department Weather Update mumbai weather