શા માટે ચૂંટણી લડવાની? શા માટે પૈસા બરબાદ કરવાના? મતદારોએ પણ શા માટે લાઇનમાં ઊભા રહીને મતદાન કરવાનું?

20 October, 2025 07:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોરેગામની સભામાં નરેન્દ્ર મોદીનો જૂનો વિડિયો દેખાડીને કહ્યું કે તેઓ વિરોધ પક્ષમાં હતા ત્યારે જે કહી રહ્યા હતા એ જ હું પણ કહી રહ્યો છું

રાજ ઠાકરે

મહારાષ્ટ્રની મતદારયાદીમાં ૯૬ લાખ બોગસ વોટરો છે એવો આરોપ કરીને રાજ ઠાકરેએ કહ્યું...

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ સંદર્ભે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા ગઈ કાલે ગોરેગામના નેસ્કો ગ્રાઉન્ડમાં આયોજિત મેળાવડામાં પક્ષપ્રમુખ રાજ ઠાકરે ફરી એક વાર ઍક્શન મોડમાં જોવા મળ્યા હતા. મતદારયાદીમાં ગેરરીતિઓ બાબતે તેમણ‌ે ઇલેક્શન કમિશનને સવાલ કર્યા હતા એટલું જ નહીં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ જ્યારે વિરોધ પક્ષમાં હતા ત્યારે તેમણે પણ ઇલેક્શન કમિશન સામે આ જ સવાલ કર્યા હતા એ દર્શાવતો તેમનો આસામનો એક જૂનો વિડિયો પોતાના આગવા અંદાજમાં ‘લાવા રે’ કહીને એ સભામાં બતાવ્યો હતો. એટલું જ નહીં, ત્યાર બાદ તેમણે ઇલેક્શન કમિશનને સંબોધતાં કહ્યું હતું કે જ્યાં સુધી મતદારયાદીમાંથી બધી ત્રુટિઓ ક્લિયર ન થાય ત્યાં સુધી ચૂંટણી યોજવી નહીં. 

રાજ ઠાકરેએ પક્ષના કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણીમાં તેમના ૨૩૨ વિધાનસભ્યો ચૂંટાઈ આવ્યા હતા છતાં મહારાષ્ટ્રમાં સન્નાટો પ્રસર્યો હતો. કોઈ જગ્યાએ વિજયયાત્રા નીકળી નહોતી. મતદારો અવાક્ થઈ ગયા હતા. જેઓ ચૂંટાઈ આવ્યા હતા તેઓ પણ અવાક્ થઈ ગયા હતા. તેમને તો ખબર જ નહોતી પડી કે કઈ રીતે ચૂંટાઈ આવ્યા. એટલે બધાને ખબર પડી ગઈ કે કઈ રીતે આ દેશમાં ચૂંટણીઓ થઈ રહી છે. કઈ રીતે લોકો જીતી આવે છે. અનેક લોકો કહે છે કે રાજ ઠાકરેની સભામાં ગિરદી થાય છે, પણ એનું મતમાં પરિવર્તન નથી થતું. જો આવી રીતે ચાલતું રહેશે તો કઈ રીતે મત મળશે? આ જ ચાલી રહ્યું છે. રાજ્યમાં જે સ્થાનિક પક્ષો છે એમને ખલાસ કરી નાખવાના અને એ રીતે મતદારયાદીઓ તૈયાર કરવાની અને માણસો ઘુસાડવાના. મને તો હમણાં ખાતરીપૂર્વક ખબર પડી છે કે હાલની જે ચૂંટણીઓ થવાની છે એ માટે તેમણે ૧ જુલાઈએ જ યાદી બંધ કરી દીધી છે. વિધાનસભા વખતે તો હતા જ ઘુસાડેલા, પણ એ પછી લગભગ ૯૬ લાખ ખોટા મતદારો મહારાષ્ટ્રની યાદીમાં ભર્યા છે. મુંબઈમાં આ જ રીતે આઠ-સાડાઆઠ લાખ, ૧૦ લાખ, થાણેમાં પણ આઠ-સાડાઆઠ લાખ, ધુળે, નાશિક એમ બધાં જ શહેરોનાં દરેક ગામડાંઓમાં મતદારો ભર્યા છે. શું આ રીતે આપણા દેશમાં ચૂંટણીઓ થશે? તો પછી શા માટે પ્રચાર કરવાનો કે ઉમેદવાર ઊભા રાખવાના? શા માટે ચૂંટણી લડવાની? શા માટે પૈસા બરબાદ કરવાના? મતદારોએ પણ શા માટે લાઇનમાં ઊભા રહીને મતદાન કરવાનું? જો આ જ રીતે ચૂંટણીઓ થતી રહે તો એ મહારાષ્ટ્ર જ નહીં દેશભરના મતદારોનું અપમાન છે. તમે મત આપો કે ન આપો, મૅચ-ફિક્સિંગ થઈ ગયું છે. મૅચ સેટ થઈ ગઈ છે.’

બધાને ખબર છે, મહારાષ્ટ્રની ગલી-ગલીમાં બધાને ખબર છે કે આ સત્તા કઈ રીતે આવી. કઈ રીતે સત્તા લાવવામાં આવે છે. કઈ રીતનું રાજકારણ ચાલી રહ્યું છે. આ જ લોકો જ્યારે વિરોધ પક્ષમાં હતા ત્યારે આજે હું જે બોલું છું એ જ વાત એ લોકો કરી રહ્યા હતા.’

 

mumbai news mumbai bmc election political news maharashtra political crisis raj thackeray election commission of india maharashtra navnirman sena