31 October, 2025 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
મતદારયાદીમાં રહેલી ત્રુટિઓ સુધાર્યા પછી જ ચૂંટણીઓ લેવામાં આવે, ભલે પછી એક વર્ષ વધુ જાય એવું જણાવતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ચીફ રાજ ઠાકરેએ ગઈ કાલે બાંદરાના રંગશારદા ઑડિટોરિયમમાં તેમના પક્ષના પદાધિકારીઓને સંબોધ્યા હતા. સાથે જ તેમણે બધાને કહ્યું હતું કે ‘શનિવારે વિરોધ પક્ષોએ આયોજિત કરેલા મોરચામાં બધા જ સામેલ થાઓ, રજા લઈને પણ સામેલ થાઓ. જો તમારો બૉસ તમને રજા ન આપે તો બૉસને તમાચો મારીને પણ આવો. તમારો બૉસ પણ મતદાર જ હશે, તેને પણ સાથે લેતા આવો. આખા મહારાષ્ટ્રમાંથી મતદારો આ મોરચામાં આવે એ જરૂરી છે. આજે મહારાષ્ટ્રમાં શું ચાલી રહ્યું છે એની તેમને જાણ થવી જોઈએ.’
તેમના કેટલાક કાર્યકરોએ EVMમાં કઈ રીતે છેડછાડ થઈ શકે એનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું.
રાજ ઠાકરે બીજું શું બોલ્યા એના પર એક નજર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ૭૫ વર્ષ થયાં હોવાથી છત્રપતિ શિવાજી મહારાજના ગઢ કિલ્લાઓ પર રાજ્ય સરકાર ‘નમો ટૂરિઝમ સેન્ટર’ ખોલવાનો પ્લાન કરી રહી છે. શિવાજી મહારાજના કિલ્લા પર આવું ચલાવી નહીં લેવાય. જો તમે સેન્ટર ઓપન કરશો તો અમે એ તોડી નાખીશું. લોકો તો આપણને મત આપે જ છે, મતદારયાદીના ગોટાળા અને EVM સાથે થતી છેડછાડને કારણે આપણી હાર થાય છે. છેલ્લાં ૧૦-૧૨ વર્ષથી આ બધું થઈ રહ્યું છે. આમ કરીને સત્તા પર આવવાનું અને સત્તામાં રહેવાનું એવી સત્તાધારીઓની કરણી છે. હું ઇલેક્શન કમિશનને ચેતવણી આપું છું કે મતદારયાદી સ્વચ્છ કરો એ પછી જ ચૂંટણી લો, ભલે એક વર્ષ હજી લાગે. એ પછી પણ જો અમારો પરાભવ થશે તો એ અમે સ્વીકારી લઈશું. પહેલી નવેમ્બરે આયોજિત કરેલો મોરચો જોરદાર થવો જોઈએ. મહારાષ્ટ્રમાં શું આગ લાગી છે એની ખબર દિલ્હીને થવી જોઈએ. જ્યાં સુધી મતદારયાદીમાંથી બોગસ મતદારો હટાવવામાં આવતા નથી અને એમાંની ત્રુટિઓ દૂર થતી નથી ત્યાં સુધી ચૂંટણી ન થવા દેવી એ માટે વિરોધ પક્ષો મક્કમ છે.
આ તો નૌટંકીનું રાજકારણ થઈ રહ્યું છે : પ્રવીણ દરેકર
વિરોધ પક્ષોના આ મોરચા બાબતે પ્રતિક્રિયા આપતાં ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવીણ દરેકરે કહ્યું હતું કે ‘સતત અસત્યને વળગી રહેનારાઓને હવે સત્યની જાણ થવા માંડી છે. નૌટંકીનું રાજકારણ થઈ રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. વિરોધીઓ દ્વારા લોકોની લાગણી ઉશ્કેરવાનું રાજકારણ થઈ રહ્યું છે. ફૅશન સ્ટ્રીટમાં જ્યાં ફેરિયાઓ બેસે છે ત્યાંથી મોરચાની શરૂઆત થવાની છે. આ રાજકીય ફેરીવાળા છે. અહીં બેસ, ત્યાં બેસ એવું બધું તેમનું ચાલી રહ્યું છે. સત્તા માટે વ્યાકુળ થયેલો આ મોરચો છે. બધા જ ચોર સાથે આવ્યા છે. મતોની ચોરી કઈ રીતે કરાઈ એ અમે પણ કહીશું. આ લોકોએ ઇલેક્શન લડીને કેવી ચોરીઓ કરી એનો પણ અમે જવાબ આપીશું.’