08 January, 2025 09:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમાર
ભારતના ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમારે ગઈ કાલે દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી હતી. આ અંગેની પ્રેસ-કૉન્ફરન્સમાં રાજીવ કુમારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર વખતે હેલિકૉપ્ટર અને બૅગ ચકાસવા બાબતે હોબાળો મચાવવા ઉપરાંત ખરાબ ભાષાનો ઉપયોગ કરવા વિશે નામ લીધા વિના ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી.
રાજીવ કુમારે કહ્યું હતું કે ‘આરોપ કરતી વખતે હવામાં ગોળીબાર કરવાની જરૂર નથી. તમે પુરાવા બતાવો, અમે કાર્યવાહી કરીશું. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમ્યાન હેલિકૉપ્ટર તપાસવા બાબતે ખૂબ હોહા કરવામાં આવી હતી. અમારું હેલિકૉપ્ટર તપાસ્યું, તેમનું કેમ નહીં? ખરાબ ભાષા બોલવામાં આવી હોવા છતાં અમે જવાબ આપવાને બદલે સંયમ જાળવ્યો. મતદાન-કેન્દ્રમાં કાર્યરત અધિકારીઓને કેટલાક લોકોએ ધમકી આપી હતી તો પણ અમે શાંત રહ્યા. સ્ટારપ્રચારક અને રાજકીય નેતાઓએ શિષ્ટાચાર અને સભ્યતા પાળવી જોઈએ. મહિલાના વિરોધમાં ન બોલો. બાળકોના વિરોધમાં પણ કેટલાક લોકોએ કહ્યું હતું. આવા લોકોને હાથ જોડીને વિનંતી છે કે પ્રચારનું સ્તર આટલું નીચે ન પાડો. આવું જ ચાલતું રહેશે તો નવી પેઢીની મતદાન કરવાની ઇચ્છા જ ખતમ થઈ જશે. પ્રચારમાં શાલીનતા રાખવી જોઈએ.’
બનાવ શું હતો?
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી વખતે ઉદ્ધવ ઠાકરે ઔસા મતદારસંઘમાં પ્રચાર માટે ગયા હતા ત્યારે ઇલેક્શન કમિશનની ટીમે તેમની બૅગ તપાસી હતી. આ સમયે ઉદ્ધવ ઠાકરેએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ઇલેક્શનની ટીમને સવાલ કર્યો હતો કે અત્યાર સુધી કેટલા લોકોની બૅગ તમે તપાસી છે? ટીમે તમારી જ સૌથી પહેલાં બૅગ તપાસવામાં આવી હોવાનો જવાબ આપ્યો હતો. આ સમયે ઉદ્ધવ ઠાકરેએ હું જ પહેલો ગ્રાહક છું? એમ કહીને ઇલેક્શન કમિશનની ટીમના બૅગ ચકાસનારા અધિકારીનો વિડિયો પોતે શૂટ કર્યો હતો. સતત ત્રણ દિવસ આવું ચાલ્યું હતું. ચીફ ઇલેક્શન કમિશનર રાજીવ કુમારે ઉદ્ધવ ઠાકરેની આ વર્તણૂકની તેમનું નામ લીધા વિના ગઈ કાલે ટીકા કરી હતી.