22 October, 2026 08:16 AM IST | Mumbai | Rohit Parikh
રાજેશ દેઢિયા
સ્વજનના અચાનક વિયોગના આઘાત વચ્ચે પણ માનવસેવાની ભાવનાને પ્રાધાન્ય આપીને નાલાસોપારાના દેઢિયા પરિવારે પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. સાયનની કીકાભાઈ હૉસ્પિટલમાં રાજેશ દેઢિયાનું હૃદય બંધ પડી જવાથી નિધન થયા બાદ પરિવારે તેમનું નેત્રદાન, ત્વચાદાન અને સંપૂર્ણ દેહદાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારના આ પગલાથી અન્ય જરૂરિયાતમંદોને મદદ મળવાની સાથે તબીબી અભ્યાસ અને સંશોધનને પણ યોગદાન મળશે.
મૂળ ભુજપુરના અને હાલ નાલાસોપારામાં રહેતા રાજેશ દેઢિયા તેમના પરિવારમાં અને સમાજમાં રાજા તરીકે ઓળખાતા હતા. તે હંમેશાં સમાજોપયોગી અને લોકોપયોગી કાર્યોમાં અગ્રણી રહેતા હતા. આવો માણસ મૃત્યુ પછી પણ અન્યોમાં ધબકતો રહે એ ઉદ્દેશથી જ તેમના નિધન બાદ પરિવારને અંગદાનનું મહત્ત્વ સમજાવવામાં સમાજના અગ્રણી કાર્યકર અને ભૂતપૂર્વ કૉર્પોરેટર પ્રવીણ વીરાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમના માર્ગદર્શન બાદ પરિવારે માનવતાના હિતમાં આ નિર્ણય લીધો હતો. આ બાબતની માહિતી આપતાં રાજેશ દેઢિયાના કઝિન નીલેશ દેઢિયાએ
‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાનની પ્રક્રિયા માટે ધ ફેડરેશન ઑફ ઑર્ગન ઍન્ડ બૉડી ડોનેશનના સંસ્થાપક પ્રમુખ પુરુષોત્તમ પવારનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું. આઇ બૅન્ક કોઑર્ડિનેશન ઍન્ડ રિસર્ચ સેન્ટર (EBCRC) દ્વારા નેત્રદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યારે મુંબઈની KEM હૉસ્પિટલની રોટરી સ્કિન બૅન્ક દ્વારા ત્વચા-સંકલન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજેશ દેઢિયાનાં પત્ની ચેતના દેઢિયા, પુત્ર જેનિલ અને પુત્રી ઉર્વી તેમ જ સમગ્ર દેઢિયા પરિવારની સહમતીથી તબીબી શિક્ષણ અને સંશોધનના હેતુથી રાજેશ દેઢિયાના પાર્થિવ દેહને ઍમ્બ્યુલન્સ મારફત KEM મેડિકલ કૉલેજને શુક્રવારે સુપરત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયાના સંકલન અને વ્યવસ્થાપનમાં મનીષ દેઢિયા, મિહિર દેઢિયા અને પારસ નાગરાએ મહત્ત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.’
નીલેશ દેઢિયાએ વધુમાં કહ્યું હતું કે ‘સ્વજનના અવસાનના દુઃખ વચ્ચે પણ અન્ય લોકોના જીવનમાં ઉપયોગી થવાનો માર્ગ પસંદ કરનાર દેઢિયા પરિવારના આ નિર્ણયની કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજ અને અન્ય સમાજમાં પ્રશંસા થઈ રહી છે. પરિવારનું આ પગલું અંગદાન અને દેહદાન વિશે જાગૃતિ ફેલાવવાની સાથે અન્ય લોકોને પણ આવા સેવાકાર્ય માટે પ્રેરણા આપે છે.’