24 October, 2026 09:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી (ફાઇલ તસવીર)
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાતી સાહિત્યનાં વાંચન, પ્રવાહ અને સમીક્ષાને કેન્દ્રમાં રાખીને વિશેષ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. ‘પઠન, પ્રવાહ અને સમીક્ષા’ વિષય પર આધારિત આ પરિસંવાદ આજે વિલે પાર્લે-વેસ્ટમાં કલાગુર્જરી ખાતે બપોરે ત્રણથી સાંજે ૭ વાગ્યા સુધી યોજાશે. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. પરિસંવાદના પ્રથમ સત્રમાં બપોરે ત્રણથી પાંચ વાગ્યા દરમ્યાન મધ્યકાલીન ગુજરાતી કવિતા પર ચર્ચા કરવામાં આવશે. આ સત્રમાં નરસિંહ મહેતાની કવિતા વિશે ડૉ. ઉર્વશી પંડ્યા, ઉપાધ્યાય યશોવિજયજીના સાહિત્ય વિશે સેજલ શાહ અને પ્રેમાનંદના સર્જન વિશે સતીશ વ્યાસ સમીક્ષાત્મક રજૂઆત કરશે. બીજા સત્રમાં સાંજે ૫.૧૫થી ૭ વાગ્યા દરમ્યાન ગુજરાતી ટૂંકી વાર્તાના વિવિધ પ્રવાહો અને સર્જકોની કૃતિઓની સમીક્ષા કરવામાં આવશે. આ સત્રમાં ગુલાબદાસ બ્રોકરની વાર્તાઓ વિશે ડૉ. રતિલાલ રોહિત, વર્ષા અડાલજાના સાહિત્ય વિશે ડૉ. અભય દોશી અને સાંપ્રત વાર્તાકારોના સર્જન વિશે તેજલ શાહ પોતાના વિચારો રજૂ કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્રિષ્ના ઓઝા કરશે.
શ્રી કચ્છી લોહાણા મહાજન તથા શ્રી ગાયત્રી ઉપાસક સમિતિ, મુલુંડના સંયુક્ત ઉપક્રમે મુલુંડમાં દર રવિવારે સવારે હરિભાઈ કોઠારીનાં ભગવદ્ગીતા પરનાં ઐતિહાસિક વિડિયો-પ્રવચનો મોટી સ્ક્રીન પર બતાવવામાં આવે છે. રવિવારે પચીસમી ઑક્ટોબરે ગીતાના દસમા અધ્યાયના શ્ળોક ૪-૫ B પર વિડિયો-પ્રવચન દર્શાવવામાં આવશે. સ્થળ : શ્રી દરિયાલાલ મંદિર હૉલ, પહેલા માળે, શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી, RRT રોડ, મુલુંડ-વેસ્ટ. સમય : સવારે ૭.૧૫થી ૮.૩૦. આ ગીતા-પ્રવચનોની લાઇવ વિડિયો-લિન્ક મેળવવા અને ઘેરબેઠાં આ પ્રવચનો સાંભળવા અને માણવા 76660 68876 / 98200 12403 નંબર પર સંપર્ક કરવો.
આજે સાંજે ૫.૩૦ વાગ્યે ફોર્ટમાં રાજેશ પટેલના ‘ફિલાટેલિક ટ્રિબ્યુટ’ તરીકે લિખિત સ્વરાંજલિ નામના પુસ્તકના લોકાર્પણનું અને ઑડિયો વિઝ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી સંગીતકારો / ગાયકોની સ્ટૅમ્પ્સની માહિતી સાથે અનુરૂપ ગીતોની રજૂઆતના અનોખા કાર્યક્રમમાં સર્વે આમંત્રણ છે. સ્થળ : ડેવિડ સાસૂન લાઇબ્રેરી, કાલા ઘોડા, ફોર્ટ.