બોગસ દસ્તાવેજના આધારે UAE જવા માટે નીકળેલા રાજકોટના ગુજરાતી યુવકની મુંબઈ ઍરપોર્ટ પરથી ધરપકડ

27 March, 2025 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ ઇમિગ્રેશન વિભાગે યશે દર્શાવેલા દસ્તાવેજની ચકાસણી કરતાં એમાં કેટલાક દસ્તાવેજ મિસિંગ હોવાની માહિતી મળી હતી. એ ઉપરાંત તેને થોડા સમય પહે‍લાં દુબઈ ઍરપોર્ટથી અમદાવાદ ડિપૉર્ટ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો.

પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના એજન્ટને લાખો રૂપિયા આપીને તૈયાર કરાવેલા બોગસ દસ્તાવેજના આધારે દુબઈથી યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં નોકરી કરવા નીકળેલા રાજકોટના ૨૫ વર્ષના યશ મહેતાની મંગળવારે વહેલી સવારે સહાર પોલીસે ધરપકડ કરી હતી. મુંબઈ ઇમિગ્રેશન વિભાગે યશે દર્શાવેલા દસ્તાવેજની ચકાસણી કરતાં એમાં કેટલાક દસ્તાવેજ મિસિંગ હોવાની માહિતી મળી હતી. એ ઉપરાંત તેને થોડા સમય પહે‍લાં દુબઈ ઍરપોર્ટથી અમદાવાદ ડિપૉર્ટ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. આ મામલો પ્રકાશમાં આવતાં પોલીસે અમદાવાદના એજન્ટની પણ શોધખોળ હાથ ધરી છે.

સહાર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇમિગ્રેશન ઑફિસર મુકેશ ઉદયભાણ મંગળવારે સવારે દુબઈ જતી ફ્લાઇટમાં પ્રવાસ કરનાર તમામ મુસાફરોના દસ્તાવેજ તપાસી રહ્યા હતા એ દરમ્યાન યશે ટૂરિસ્ટ વીઝાના આધારે દુબઈ જવા માગતો હોવાના દસ્તાવેજ સબમિટ કર્યા હતા. જોકે એ સમયે પાસપોર્ટની ચકાસણી કરતાં ગયા મહિને તેને દુબઈથી અમદાવાદ ડિપૉર્ટ કરવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. એ સમયે ડિપૉર્ટ થવા પાછળનું કારણ જાણવાની કોશિશ કરતાં યશે યોગ્ય જવાબ નહોતો આપ્યો અને અંતે તેની સિનિયર અધિકારીએ પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું હતું કે તે UAE નોકરી કરવા જવા માગતો હતો જેને માટે તેણે અમદાવાદના એજન્ટને ચાર લાખ રૂપિયા આપ્યા હતા. એ પૈસા લઈને UAEના વીઝા ઉપરાંત બીજા દસ્તાવેજ એજન્ટે બનાવી આપ્યા હતા. અંતે ઘટનાની જાણ થતાં આ મામલે અમે યશની ધરપકડ કરી હતી. તેને દસ્તાવેજ બનાવી આપનાર એજન્ટને પણ અમે શોધી રહ્યા છીએ.’

mumbai news mumbai airport united arab emirates Crime News dubai rajkot gujarat news ahmedabad gujarat mumbai