રાખડીમાં આવી ક્રીએટિવિટી તમે જોઈ છે ક્યારેય?

23 August, 2021 10:01 AM IST  |  Mumbai | Rohit Parikh

ઘાટકોપર (વેસ્ટ)ના શાહ પરિવારની દીકરીઓએ તેમના ભાઈઓને મનપસંદ ફૂડ-આઇટમોવાળી રાખડી બનાવીને રક્ષાબંધનની કરી ‍ઉજવણી

ઘાટકોપરના ચાર ભાઈઓ (ડાબી બાજુથી પાછળ બેઠેલા) હિરેન, રુષભ, નીતિશ અને સાહિલ અને નીચે બેઠેલી ત્રણ બહેનો (ડાબી બાજુથી) વિશા, ફોરમ અને મૈત્રી

ઘાટકોપર (વેસ્ટ)ના શાહ પરિવારમાં ગઈ કાલે ત્રણ બહેનોએ તેમના ચાર ભાઈઓને તેમની મનભાવતી આઇટમો તેમની રાખડીઓ પર અંકિત કરીને રાખડી બાંધી હતી. રક્ષાબંધનના દિવસે બહેનોએ બનાવેલી રાખડીની ક્રીએટિવિટી જોઈને ભાઈઓ આશ્ચર્યચકિત અને આનંદવિભોર થઈ ગયા હતા.

ઘાટકોપર (વેસ્ટ)ના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર રહેતા અને ફાર્માનો બિઝનેસ કરતા ૩૭ વર્ષના હિરેન શાહને મેદુવડાં બહુ ભાવે છે, ૩૩ વર્ષના ચાર્ટર્ડ અકાઉટન્ટ રુષભ શાહને સેવપૂરી બહુ પ્રિય છે, ૨૩ વર્ષના બીટેક નીતિશ શાહ પીત્ઝાનો બહુ શોખીન છે અને ૨૨ વર્ષના સાહિલને જલેબી-ગાંઠિયાનો બહુ ચસકો છે. આથી થાણેની તેમની પરિણીત બહેન ૨૭ વર્ષની ફોરમ શાહ, ઘાટકોપર (વેસ્ટ)માં રહેતી ૨૫ વર્ષની વિશા શાહ અને ૨૩ વર્ષની મૈત્રી શાહે ગઈ કાલે રક્ષાબંધનના દિવસે તેમના ચાર ભાઈઓ માટે તેમની મનગમતી અને ભાવતી આઇટમોને પ્રદર્શિત કરતી મેદુવડાં, સેવપૂરી, પીત્ઝા અને જલેબી-ગાંઠિયાવાળી રાખડીઓ બાંધી હતી. આ બધી જ રાખીડીઓ તેમની થાણેમાં પરણેલી બહેન ફોરમ શાહે તેની બીજી બહેનો સાથે કમ્યુનિકેશન કરીને બનાવી હતી. એને ફાઇનલ ટચ-અપ ઘાટકોપર આવીને તેની બહેનોને સાથે રાખીને આપવામાં આવ્યો હતો.

આ બાબતની માહિતી આપતાં ફોરમ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વર્ષની રક્ષાબંધનને મારે અનોખી બનાવવી હતી. હું મારા ભાઈઓ માટે કંઈક સર્જનાત્મક અને આ તહેવારને યાદગાર બનાવવા માગતી હતી. ગયા વર્ષે કોવિડના કારણે અમે રક્ષાબંધન ન ઊજવી શક્યા એનો અફસોસ રહી ગયો હતો. તેથી હું આ રક્ષાબંધનને ખાસ બનાવવા માગતી હતી. એમાં મેં યુટ્યુબમાં ક્લેમાંથી રાખડી બનતી જોઈ અને મને વિચાર આવ્યો કે આ પ્રકારની રાખડી વધારે સર્જનાત્મક અને યાદગાર બની રહેશે.’

ઘાટકોપરના ચાર ભાઈઓને બહુ જ પસંદ આઇટમો જલેબી-ફાફડા, પીત્ઝા, મેદુવડા અને સેવપુરીવાળી રાખડી

આથી મારી બે બહેનો સાથે ફોન પર ચર્ચા-વિચારણા કરીને મારા વિચારને અમલમાં મૂકવાનો નિર્ણય લીધો હતો એમ જણાવીને ફોરમ શાહે કહ્યું હતું કે ‘કોલ્ડ પોર્સલેન માટી/થાઈ માટી જેવી જરૂરી સામગ્રી માર્કેટમાંથી ખરીદી અને રાખડી બનાવવાની શરૂઆત કરી હતી. પહેલાં માટીમાં રંગ ભેળવીને ખાદ્ય પદાર્થોની આઇટમોના આકાર અને કદ બનાવ્યાં હતાં. જોકે નાની રાખડીઓમાં ખાદ્ય પદાર્થોને અંકિત કરવા મુશ્કેલીભર્યું કામ છે. રાખડી બનાવતી વખતે ક્લે કશેક ખોવાઈ જતી હતી અથવા તો ટેબલ અને પ્લાસ્ટિકની શીટમાં અટવાઈ જતી હતી. મારે એને થ્રી-ડી લુક આપવો હતો. એટલે એ માટે ઘણાબધા વિડિયો જોવા પડ્યા અને એના માર્ગદર્શન પ્રમાણે ફિનિશિંગ આપ્યું હતું. આખરે ચાર રાખડી બનાવવામાં સાત દિવસ પછી સફળતા મળી હતી. ’

રાખડીઓ પર લગાવવામાં આવેલી બધી જ આઇટમો ભાઈઓને મનપસંદ ફૂડ-આઇટમો છે એમ જણાવીને વિશા શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ફૅમિલીમાં એટલું બધું મજબૂત બૉન્ડિંગ છે કે પરિવારના બધા જ સભ્યો જાણે છે કે કોને શું વધુ ભાવે અને શું ન ભાવે. હિરેનભાઈને મેદુવડાં એટલાં ભાવે કે મેદુવડાં મળે તો એ અનલિમિટેડ ખાઈ શકે. રુષભભાઈને સેવપૂરી પસંદ છે. તે સેવપૂરી પાછળ એટલો બધો પાગલ છે કે ન પૂછો વાત. તે જૈન સેવપૂરી ખાય છે અને તમને નવાઈ લાગશે કે મારી ભાભી તેના માટે ૩૬૫ દિવસ ચટણી, સેવ અને પૂરી ઘરમાં તૈયાર રાખે છે. મારો ભાઈ નીતિશ સુપર બુદ્ધિશાળી, શાંત અને રિઝર્વ્ડ છે. તેને પીત્ઝા પસંદ છે. તેણે દરેક રેસ્ટોરાંના પીત્ઝાનો સ્વાદ ચાખ્યો છે. મારો સૌથી નાનો ભાઈ સાહિલ પાંચ વર્ષનો હતો ત્યારથી જલેબી-ગાંઠિયા ખાય છે.  તેને જલેબી-ગાંઠિયા અનહદ પ્રિય છે. તેની રવિવારની સવાર જલેબી-ગાંઠિયા વગર અધૂરી રહે છે.’

અમારો આ વિચાર મારી મમ્મીને ગમ્યો નહોતો એમ જણાવતાં મૈત્રી શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને પૂરો વિશ્વાસ હતો કે અમારો ફૂડ-આઇટમની રાખડીનો આઇડિયા અમારા ભાઈઓને બહુ જ ગમશે અને ખૂબ ગમ્યો પણ ખરો. અમારી રાખડીઓ સાથે મૅગ્નેટ પણ વધારાની સુવિધા તરીકે લગાડવામાં આવ્યું છે જેનો પછી પણ ઉપયોગ થઈ શકે છે.’

અમે ભાઈઓ બહેનોએ બનાવેલી આકર્ષિત અને અનોખી રાખડીઓ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા એમ જણાવતાં પંકજ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી બહેન ફોરમ નાનપણથી જ ક્રીએટિવિટી ધરાવે છે. અમારા પરિવારમાં કોઈ પણ ફંક્શન હોય, અમને તેના તરફથી કોઈ નવા આઇડિયા મળતા જ રહે છે. તેની આ ક્રીએટિવિટીમાં મારી અન્ય બે બહેનો જોડાતાં સોનામાં સુગંધ ભળવાની અમને હંમેશાં અનુભૂતિ થાય છે. વી આર પ્રાઉડ ઑફ ધેમ.’

અમારી મહેનત ફળી. મારી મમ્મી કહેતી કે તમે નવા જનરેશનવાળા રેશમની સાદી રાખડી બાંધવાને બદલે આવી રાખડીઓ બાંધો. અમારા જમાનામાં તો અમે રક્ષાપોટલી બાંધીને રક્ષાબંધનના તહેવારની અમારા ભાઈઓ સાથે ઉજવણી કરતા હતા. ત્યારે અમે મમ્મીને કહીએ કે આજના યુગમાં નવી અને જૂની પરંપરાગત રાખડીઓના મિશ્રણથી બનતી રાખડીઓ પ્રચલિત બની છે અને એ વિશેષ પ્રકારની પણ હોય છે.

અમે બધી બહેનો વર્કિંગ છીએ એથી અમને સાંજના સાત વાગ્યા પછી જ સમય મળતો હતો.

બે વર્ષ પહેલાં અમે તેમની મનપસંદ અને સૌથી વધુ ગમતી ખાદ્ય વસ્તુઓ બનાવીને તેમને રક્ષાબંધનના દિવસે જમાડ્યા હતા.

mumbai mumbai news raksha bandhan ghatkopar rohit parikh