✕

શિવસેના - BJP વચ્ચે જામી પડી: મનોજ જરાંગેએ ‌શિવસેના અને BJP વચ્ચે આગ લગાડી દીધી

24 October, 2026 07:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મનોજ જરાંગે, BJPનો સાથ લઈને તમે એકનાથ ‌શિંદેને ખતમ કરવાનું ષડ્‍યંત્ર કરી રહ્યા છો : રામદાસ કદમ

શિવસેનાના રામદાસ કદમ, BJPના પ્રસાદ લાડ

મરાઠા નેતા મનોજ જરાંગેને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેએ ૫૦૦ કરોડ રૂપિયા આપવા બાબતની ઑડિયો-ક્લિપ મનોજ જરાંગેએ ગુરુવારે જાહેર કરી હતી. એના અનુસંધાનમાં શિવસેનાના નેતા રામદાસ કદમે ગઈ કાલે પત્રકાર-પરિષદમાં મનોજ જરાંગેની સાથે ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતાઓ સામે પણ વાક્બાણ છોડ્યાં હતાં. રામદસ કદમે એવો દાવો કર્યો હતો કે ‘મેં આ સંદર્ભે માનનીય વડા પ્રધાન નરેન્દ્ર માદી, અમિત શાહ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મોહન ભાગવતસાહેબ અને દેવેન્દ્ર ફડણવીસસાહેબને પણ પત્ર મોકલ્યો છે. આ બાબતે તપાસ થવી જોઈએ. આ આસ્તીનના સાપ કોણ છે એની જાણ થવી જોઈએ. એકનાથ શિંદેને ખતમ કરવાનું બીડું BJPમાં કોણે ઉપાડ્યું છે એ લોકોની સામે આવવું જોઈએ. દેવેન્દ્રજી, હવે સાવધ રહો.’

રામદાસ કદમની સ્પીચના ચમકારા

મનોજ જરાંગે પાટીલ મરાઠા સમાજને ન્યાય અપાવવા લડત ચલાવતા હોવાથી મરાઠા સમાજે તેમને માથે બેસાડી દીધા હતા. આજે ખબર પડી કે આ માણસ બધાને ફસાવે છે. મનોજ જરાંગે, તમે શું કામ નાટક કરો છો?

BJPનો સાથ લઈને તમે એકનાથ શિંદેને ખતમ કરવાનું આ ષડયંત્ર કરી રહ્યા છો.

તમારા ઉપવાસ છોડાવવા અનેક લોકો અને નેતા તમને મળ્યા, તમારી સાથે વાતચીત કરી; પણ એમાંથી અમારા મિત્ર પ્રસાદ લાડ (BJP) (પ્રસાદ લાડ સાથે મનોજ જરાંગેનો ફોટો બતાવીને)ની તમારી સાથે બહુ પાકી દોસ્તી થઈ છે.

મનોજ જરાંગે, દુનિયા બહુ આગળ વધી ગઈ છે. મનોજ જરાંગે, તમે તમારા વ્યક્તિગત ફાયદા માટે મરાઠા સમાજને મૂરખ બનાવી રહ્યા છો, જાતિ-જાતિ વચ્ચે મતભેદ ઊભા કરી રહ્યા છો. હવે તમે ખુલ્લા પડી ગયા છો. સમાજને જાણ થઈ ગઈ છે.

બિલાડી આંખ બંધ કરીને દૂધ પીએ ત્યારે એને એમ લાગે છે કે એને કોઈ જોઈ નથી રહ્યું, પણ એવું નથી હોતું જરાંગે. કોઈ તમારી સામે નહોતું પડતું, પણ તમે એટલા બેફામ થઈ ગયા કે પોતાને આખી દુનિયાના માલિક સમજવા માંડ્યા. મને ન વતાવતા. મારા હાથમાં પ્રૂફ ન હોય તો હું ક્યારેય બોલતો નથી હોતો. એ ૩૨ મિનિટની ક્લિપ સાંભળ્યા બાદ કઈ રીતે BJPનું પ્લાનિંગ થાય છે ખબર પડી. પૈસા પક્ષ તરફથી નહીં આપવાના, પૈસા પરસ્પર આપવાના. એમાં પાછું અમારા પ્રવીણ દરેકરનું નામ આવ્યું છે કે તેણે એ બધું કો-ઑર્ડિનેટ કર્યું હતું. આનો જવાબ BJPએ પણ આપવો પડશે.

તમારા (BJP) પર વિશ્વાસ મૂકીને એકનાથ શિંદે તમારી સાથે આવ્યા પછી તમને (BJP) પણ શું એકનાથ શિંદેનો ડર લાગવા માંડ્યો? તેમને ખતમ કરવાનો પ્રયાસ BJP કરી રહી છે કે શું એવો સવાલ અમને બધાને થઈ રહ્યો છે, કારણ કે એ ક્લિપમાં એ બધું છે. એથી એ ક્લિપની તપાસ થવી જોઈએ. આની પાછળ કોણ છે? એકનાથ શિંદેને બદનામ કરવા આવી ક્લિપ કોણ બોલે છે? એની તપાસ થવી જોઈએ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ.

(મનોજ જરાંગેને ઉદ્દેશીને) હવે એકનાથ શિંદેની સામે ન પડો. એકનાથ શિંદેને ખલાસ કરવા કોની પાસેથી સોપારી લીધી? મરાઠા સમાજ તમને માફ નહીં કરે. તમે હવે ઉઘાડા પડી ગયો છો. જો તમે આમ જ ફરી-ફરી કરવાના હશો તો અમે પણ શાંત નહીં બેસીએ. તમને છેલ્લો ઇશારો આપી દઈએ છીએ.

રામદાસ કદમે મનોજ જરાંગે સાથે પ્રસાદ લાડનો ફોટો બતાવીને તે બન્ને વચ્ચે ગાઢ મિત્રતા હોવાનો દાવો કર્યો હતો. એકનાથ શિંદેને ખતમ કરવાનું બીડું BJPમાં કોણે ઉપાડ્યું છે એ લોકોની સામે આવવું જોઈએ - શિવસેનાના રામદાસ કદમ

રામદાસ કદમના આક્ષેપો બાદ પ્રવીણ દરેકરે પત્રકાર પરિષદમાં ​શિવસેના પર સામા આક્ષેપ કર્યા હતા. દેવેન્દ્ર ફડણવીસને ખતમ કરવા પડદા પાછળ જરાંગેને કોણ તાકાત આપી રહ્યું હતું? - BJPના પ્રવીણ દરેકર

પ્રસાદ લાડે ઉદય સામંત અને શંભુરાજે દેસાઈ સાથે મનોજ જરાંગેને મળવા ગયા હોવાનો પુરાવો આપતો ફોટો બતાવ્યો હતો. રામદાસ કદમ, આ ફાલતુ ધંધા બંધ કરો, અમારી પાસે પણ તમારી ક્લિપ છે - BJPના પ્રસાદ લાડ

જો આટલી ઊતરતી કક્ષાએ જઈ બોલશો તો અમે પણ ચૂપ નહીં બેસીએ : પ્રવીણ દરેકર

રામદાસ કદમે કરેલા આક્ષેપો બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાન પ‌રિષદના જૂથનેતા પ્રવીણ દરેકરે આ બાબતે પ્રતિક્રિયા આપી હતી કે ‘જો આટલી ઊતરતી કક્ષાએ જઈને આક્ષેપો કરશો તો અમે પણ ચૂપ નહીં બેસીએ. BJP સાથે રહેવાનું અને એને જ ગાળો ભાંડવાની એ ચલાવી નહીં લેવાય. કોણે કોની સોપારી લીધી એ બધાને ખબર છે. વળી તમારો તો સોપારીનો ઇતિહાસ છે. દેવેન્દ્ર ફડણવીસને ખતમ કરવા પડદા પાછળ જરાંગેને કોણ તાકાત પૂરી પાડતું હતું?’

મહાયુતિમાં ટેન્શન ઊભું કરવું એનો અર્થ એ થયો કે એકનાથ શિંદેને જ ત્રાસ આપવો એમ જણાવીને પ્રવીણ દરેકરે વધુમાં કહ્યું હતું કે ‘જે કંઈ હોય એનું ૪ દીવાલની અંદર બેસીને નિરાકારણ લાવી શકાય છે. જો તમે પડકાર આપશો તો અમે પણ સામે પડકાર ફેંકીશું. આનાથી મહાયુતિ પર અસર પડશે. જો તમને એમ લાગતું હોય કે જો અમે સાથે નહીં હોઈએ તો BJP પૂરી થઈ જશે તો એવું નથી હોતું. શિવસેનાના કાર્યકરોને તેમના નેતા એકનાથ શિંદે મુખ્ય પ્રધાન બને એવું લાગે એ બહુ સ્વાભાવિક છે. ઉચ્ચ સ્તરે ચર્ચા થઈ શકે. ઑડિયો-ક્લિપની તપાસ થશે. તપાસમાં બધું જ બહાર આવશે. શિંદેસાહેબે કહ્યું છે કે ૫૦૦ કરોડ દીધા પણ નથી કે લીધા પણ નથી. મહાયુતિમાં આ રીતે ટેન્શન ઊભું કરવું ખોટું છે. દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે સારું કમ્યુનિકેશન છે. નીચેના નેતાઓ આવું બોલે એ યોગ્ય લાગતું નથી. એકનાથ શિંદેથી ડરવું શા માટે જોઈએ? તે કંઈ વિરોધ પક્ષના છે? એવું કશું જ નથી. નાનાં બાળકો જેવી વાત ન કરો.’

રામદાસ કદમ પાગલ થઈ ગયા લાગે છે : મનોજ જરાંગે

શિવસેનાને તોડવા BJPએ મનોજ જરાંગે સાથે મળીને કાવતરું રચ્યું છે એવો આક્ષેપ શિવસેનાના નેતા રામદાસ કદમે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં મીડિયા સામે કરીને ખળભળાટ મચાવી દીધો હતો. એ સામે મનોજ જરાંગેએ પણ બાંયો ચડાવી હતી અને રામદાસ કદમને પાગલ સુધ્ધાં કહી દીધા હતા.

ચમકારા

BJP અને એકનાથ શિંદેનો ખરો ચહેરો લોકો સામે લાવવા બદલ મનોજ જરાંગેનો આભાર : વિજય વડેટ્ટીવાર

ઑડિયો-ક્લિપના સંદર્ભે ચાલી રહેલા આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે કૉન્ગ્રેસના વિધાનમંડળના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘મનોજ જરાંગે ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિંદેસેનાનો ખરો ચહેરો મહારાષ્ટ્ર સામે લાવ્યા છે. અમે તેમનો આભાર માનીએ છીએ. ૨૦૨૪ની વિધાનસભાની ચૂંટણી વખતે મુખ્ય પ્રધાનપદ અને સત્તા માટે દેવેન્દ્ર ફડણવીસે અને એકનાથ શિંદેએ મરાઠા વિરુદ્ધ અધર બૅકવર્ડ ક્લાસની વચ્ચે સંઘર્ષ પેદા કરીને મહારાષ્ટ્રનું નુકસાન કર્યું હતું.’

રામદાસ કદમ આ ફાલતુ ધંધા બંધ કરો, અમારી પાસે પણ તમારી ક્લિપ છે : પ્રસાદ લાડ 

શિવસેનાના રામદાસ કદમે પત્રકાર પરિષદમાં પ્રસાદ લાડનો મનોજ જરાંગે સાથે જમતા હોવાનો ફોટો બતાવી તેમની વચ્ચે પાકી દોસ્તી હોવાનો કટાક્ષ કર્યો હતો. એ બદલ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા પ્રસાદ લાડે પત્રકાર પરિષદ લઈને કહ્યું હતું કે ‘અમે ઉઘાડી છાતીએ મનોજ જરાંગેને મળીએ છીએ. રામદાસ કદમ આવા ફાલતુ ધંધા બંધ કરો, તમારી પણ ક્લિપ અમારી પાસે છે.’

પ્રસાદ લાડે કહ્યું હતું કે ‘અમે મુખ્ય પ્રધાનને મનોજ જરાંગેએ સંભળાવેલી એ ઑડિયો-ક્લિપ બાબતે તપાસ કરવા કહ્યું છે. એ પછી મુખ્ય પ્રધાને સાઇબર ડિપાર્ટમેન્ટને એ બાબતે નિર્દેશ પણ આપ્યા છે. રામદાસ કદમે BJP અને મારા પર મોટા આરોપ કર્યા છે. અમે મહાયુતીના બધા જ નેતાઓને માન આપીએ છીએ. જ્યારે એકનાથ શિંદેની ટીકા કરાઈ ત્યારે અમે એને વખોડી કાઢી વિરોધીઓને જવાબ આપ્યો હતો. સંજય રાઉત શિવસેના (UBT)ને ડુબાડવા નીકળ્યા છે. એ જ રીતે હવે રામદાસ કદમ શિવસેનાને ડુબાડવા નીકળ્યા છે. રામદાસભાઈ ઊંચા અવાજે બોલે છે એનો અર્થ એ નથી કે અમે એનાથી ગભરાઈ જઈએ. રામદાસ કદમ તમે સિનિયર સિટિઝન છો. માહિતી લઈને પછી બોલવું જોઈતું હતું. પત્રકાર પરિષદ લેતાં પહેલાં તેમણે એકનાથ શિંદે સાથે વાત નહીં કરી હોય. એકનાથ શિંદેને અમે બધાએ અમારા નેતા તરીકે સ્વીકાર્યા છે, તમારે એમની વકીલાત કરવાની જરૂર નથી.’

ramdas kadam eknath shinde shiv sena manoj jarange patil mumbai bharatiya janata party maharashtra political crisis maha yuti