06 December, 2025 10:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રતન તાતા અને સિમોન તાતા
તાતા પરિવારમાં શુક્રવારે સવારે શોક છવાઈ ગયો હતો. સિમોન તાતાનું ૯૫ વર્ષની જૈફ વયે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું હતું. નોએલ તાતાનાં મમ્મી અને રતન તાતાનાં સાવકાં મમ્મીએ ગઈ કાલે સવારે છેલ્લા શ્વાસ લીધા હતા. તાતા ગ્રુપની જાણીતી કૉસ્મેટિક બ્રૅન્ડ ‘લૅક્મે’ અને તેમની રીટેલ બ્રૅન્ડ ‘વેસ્ટસાઇડ’ સિમોન તાતાએ ઊભી કરી હતી. તેમના અંતિમ સંસ્કાર આજે સવારે ૯થી ૧૦.૩૦ દરમ્યાન કોલાબાના હોલી નેમ ચર્ચમાં કરવામાં આવશે. એ પછી સદ્ગતના આત્માની શાંતિ માટે ૧૧ વાગ્યે માસ પ્રેયરનું આયોજન કરવામાં આવ્યું છે.
સિમોન તાતા રતન તાતા ઇન્સ્ટિટ્યૂટ સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે પણ જોડાયેલાં હતાં અને અનેક સખાવતો કરતાં રહેતાં હતાં. હંમેશાં સકારાત્મક રહી ઊંડાણપૂર્વક સમસ્યાઓનો ઉકલ લાવી તેમણે જીવનમાં અનેકે ચૅલેન્જિસ સફળતાપૂર્વક પાર પાડી હતી.