02 January, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : આશિષ રાજે
દેશના સૌથી શ્રીમંત કૉર્પોરેશનની ચૂંટણીને એક પખવાડિયું જ આડે છે ત્યારે વધુ ને વધુ લોકો મતદાન કરે એ માટે જાગૃતિ લાવવી જરૂરી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી અગાઉ BMCના હેડક્વૉર્ટરની બહાર આવેલા સેલ્ફી-પૉઇન્ટ પર વિવિધ પોસ્ટર્સ લગાડીને નાગરિકોને મતદાન કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મતદાનનો અધિકાર ધરાવતા નાગરિકોએ તો સેલ્ફી-પૉઇન્ટ પર ફોટો પડાવીને પોતાના અધિકારનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો, સાથે જ નવી પેઢીને પણ મતદાન અને ચૂંટણી-પ્રક્રિયા વિશે માહિતી મળી હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ૨૨૭ બેઠકોની ચૂંટણીમાંથી ૩૨ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિંદેસેનાની યુતિની શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે સીધી ફાઇટ જોવા મળશે. આ બેઠકો પર ત્રીજો કોઈ જ ઉમેદવાર એટલો મજબૂત ન હોવાથી બે પક્ષના ઉમેદવાર વચ્ચે ડાયરેક્ટ ફાઇટ હશે. કૉન્ગ્રેસ અને એના સાથી-પક્ષ બહુજન વંચિત આઘાડી (BVA)એ આ બેઠકો પર એનો કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો નથી.
BMCની ચૂંટણી વખતે જ શિવસેના (UBT)ના નેતા અને આદિત્ય ઠાકરેના અંતરંગ વર્તુળનાં ગણાતાં શીતલ દેવરુખકર-શેઠે પક્ષમાંથી ગઈ કાલે રાજીનામું આપી દીધું હતું. ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્ટેટ પ્રેસિડન્ટ રવીન્દ્ર ચવ્હાણની હાજરીમાં તેઓ BJP જૉઇન કરશે એમ તેમણે જણાવ્યું હતું. શિવસેના (UBT)ની યુવા સેનાનાં સિનિયર લીડર શીતલ દેવરુખકર-શેઠ કોર કમિટીનાં પણ મેમ્બર હતાં અને આદિત્ય ઠાકરેના ક્લોઝ સર્કલનાં નેતા ગણાતાં હતાં. તેઓ મુંબઈ યુનિવર્સિટી સેનેટનાં સભ્ય પણ હતાં. શીતલ દેવરુખકર-શેઠે કહ્યું હતું કે ‘મને પાર્ટીએ ઉમેદવારી આપીશું એમ કહીને મારા બધા દસ્તાવેજ રેડી રાખવા કહ્યું હતું. જોકે એ પછી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં મારું નામ ન હોવાથી આખરે મેં પાર્ટી છોડવાનો નિર્ણય લીધો હતો.’